19 December, 2025 11:54 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
ઊંટગાડી
રાજસ્થાનના ઝૂંઝુનૂ જિલ્લામાં એક અનોખાં લગ્ન જોવા મળ્યાં. શહેરો તો ઠીક, ગામડાંઓ પણ હવે મૉડર્ન અને લક્ઝુરિયસ લગ્નોની દોટમાં છે ત્યારે ઝૂંઝુનૂ જિલ્લામાં એક યુવાને દાદાની ઇચ્છાને માન આપીને જૂની પરંપરાને જીવતી કરી હતી. તે પોતાની જાન ઊંટ પર લઈને પરણવા નીકળ્યો હતો. પોતાના ઘરથી દુલ્હનનું લગ્નસ્થળ જસ્ટ ૧૪ કિલોમીટર જ દૂર હતું. આ અંતર ગાડી કે ઘોડી પર નહીં પરંતુ ઊંટ પર બેસીને દુલ્હાએ પાર કર્યું હતું. લગ્નની સાદગી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દુલ્હો ઊંટ પર બેઠો હતો અને તેની સાથે ૧૧ ઊંટગાડીઓમાં બારાતીઓ બેઠા હતા. વચ્ચે-વચ્ચે દુલ્હાના દોસ્તો ઊંટગાડીમાંથી ઊતરીને નાચગાનની મજા પણ માણી લેતા હતા. આ રાજસ્થાનની ભુલાઈ રહેલી પરંપરા છે. બિસાઉ ગામમાં રહેતા સીતારામ જાલવાલના દીકરા તરુણનાં લગ્ન રામગઢ ગામની મનીષા નામની કન્યા સાથે થયાં હતાં. બુઝુર્ગોને આ દૃશ્ય જોઈને ખૂબ ધરપત થઈ હતી કે આજની નવી પેઢી જૂની પરંપરાઓને જિવાડવા માટે મથે છે.