12 May, 2025 01:04 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
સૈફુલ ખાતૂન
એક બાળક મૃત્યુ પામે ત્યારે માનું કાળજું કેટલું ફાટી પડે છે એ તો જેણે ભોગવ્યું હોય એ જ જાણે. જોકે બિહારના રોહતાસની સૈફુલ ખાતૂન નામની મહિલા માતૃત્વ મેળવવા માટે એક પછી એક ૧૪ વાર કારમા ઘા સહન કરી ચૂકી હતી અને છતાં તેણે માતૃત્વ માટે હાર ન માની. દરેક વખતે તેની ડિલિવરી સમય કરતાં વહેલી થઈ જતી અને પ્રીમૅચ્યોર નવજાત શિશુ સર્વાઇવ નહોતું થઈ શકતું. જોકે તાજેતરમાં સૈફુલે પંદરમા બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકની પણ ડિલિવરી સાડાછ મહિને થઈ ગઈ હતી અને જન્મ સમયે તેનું વજન માત્ર ૫૦૦ ગ્રામ જ હતું. સાસારામ ગામની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં બાળકનો જન્મ થયો હતો. નવજાત પ્રીમૅચ્યોર હોવાથી તેને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં રાખવામાં આવ્યું હતું. આ બાળક પણ ખૂબ નબળું હતું, પરંતુ લગભગ ૧૦ દિવસની મહેનત પછી બાળકનું વજન વધવા લાગ્યું હતું. હવે તે ૭૦૦ ગ્રામનું થઈ ગયું છે અને સર્વાઇવ થઈ શકે એવા ઊજળા ચાન્સ છે. એક મહિલાના મા બનવાના પ્રયત્નને પંદરમી વારમાં સફળતા મળી.