23 November, 2025 01:59 PM IST | Assam | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આસામના શિવસાગર જિલ્લામાં બે યુવકો ચોરી કરતા પકડાયા હતા. આ નવશીખિયા ચોરોને લોકોએ પકડી પાડ્યા હતા. સામાન્ય રીતે ચોર પકડાય એટલે લોકો તેની મારઝૂડ કરી મૂકે. જોકે અહીંના લોકોએ ચોરોને પોલીસને હવાલે કરવાનું નક્કી કર્યું અને એ પહેલાં તેમને યાદ રહી જાય એવી સજા આપવા માટે નચાવ્યા. ઝુબીન ગર્ગનાં ગીતો પર આ ચોરોને એટલું નચાવ્યા, એટલું નચાવ્યા કે તેઓ થાકીને ઢીલાઢસ થઈ ગયા. થાકી ગયેલા ચોરોને નાસ્તો કરાવીને પોલીસને હવાલે કરવામાં આવ્યા. આસામમાં આ પહેલાં પણ ચોરી કરતા યુવકને પરાણે નાચવાની સજા કરવામાં આવી હતી. એ પછી તો અહીં જાણે ટ્રેન્ડ પડી ગયો હોય એવું લાગે છે. ચોર પકડાય તો તેને મારવાને બદલે નચાવીને થકવવાનો અને પછી પોલીસને હવાલે કરવાનો. ચોરો નાચતા હતા એ વખતે આસપાસ મોજૂદ લોકોએ તેમનો વિડિયો લીધો હતો અને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.