૬૦ વર્ષ જૂની રાવણની મૂર્તિ માટે ગામમાં થઈ લડાઈ

28 February, 2026 12:23 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

હવે સ્થાનિક પ્રશાસને આ મૂર્તિની સુરક્ષા માટે વ્યવસ્થા કરવી પડી છે.

રાવણ

મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના ત્યોંથર ગામમાં ૬૦ વર્ષથી રાવણની એક મૂર્તિ મૂકવામાં આવી છે. જોકે તાજેતરમાં આ મૂર્તિને લઈને વિવાદ થયો હતો. રાવણની મેદાનમાં લાગેલી મૂર્તિ એક હૉસ્પિટલની સામે છે એને કારણે કેટલાક ગામલોકોએ એને અશુભ અને વાસ્તુદોષ ગણીને હટાવવાની માગણી કરી હતી. દાવો છે કે આ વિસ્તારમાં બીમારી ફેલાવાનું કારણ આ મૂર્તિ છે. કૅન્સર અને ઇન્ફર્ટિલિટી જેવી સમસ્યા પણ રાવણની મૂર્તિને કારણે જ થાય છે એવી વાતો ફેલાવાથી લોકો હવે ગભરાવા લાગ્યા છે. આ વાતમાં જ્યોતિષીઓએ પણ આગમાં ઘી હોમ્યું છે. રાવણની મૂર્તિ નકારાત્મક ઊર્જા ફેલાવે છે એવું કહેવાને કારણે હવે વર્ષોથી સ્થાયી રાવણની મૂર્તિને હટાવવા માટે માગણી ઊભી થઈ છે. બીજી તરફ કેટલાક લોકો માને છે કે રાવણ તો પ્રખર શિવભક્ત અને વિદ્વાન હતો. લગભગ છ દાયકાથી આ જગ્યાએ તેની મૂર્તિ છે અને હજી સુધી અહીં કોઈ એવી ગંભીર સમસ્યા નથી આવી તો હવે એને નકારાત્મક કેમ ગણવાની? તર્કશીલ લોકો નડી ગયા છે કે રાવણની મૂર્તિને તોડવાની વાત તો દૂર, એક ઘસરકો પણ નહીં પડવા દઈએ. હવે સ્થાનિક પ્રશાસને આ મૂર્તિની સુરક્ષા માટે વ્યવસ્થા કરવી પડી છે.

offbeat news viral videos ramayan madhya pradesh national news