09 August, 2024 11:24 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
શેવાળ
ગંગાનું જળ તો તનમનને શુદ્ધ કરે જ છે પરંતુ એમાં થયેલી શેવાળ પણ શુદ્ધીકરણ કરે છે એ જાણીને નવાઈ લાગશે. થોડા દિવસ પહેલાં ધોધમાર વરસાદને કારણે ગંગા નદીમાં પૂર આવ્યું હતું અને પૂરનાં એ પાણીમાં શેવાળ પણ જોવા મળી હતી. IIT-BHUના વિજ્ઞાનીઓએ વારાણસીના રવિદાસ ઘાટ પાસેથી શેવાળના નમૂના લીધા હતા અને પછી સંશોધન કર્યું હતું. એમાં જાણવા મળ્યું કે ગંગામાં બે શેવાળની નવી પ્રજાતિ મળી છે. વિજ્ઞાનીઓએ બન્નેનાં નામ VSVM-1 અને VSVM-2 રાખ્યાં છે. IITના બાયો કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના અસિસ્ટન્ટ પ્રોફેસર વિશાલ સિંહે કહ્યું કે ગંગામાંથી મળેલી આ બે શેવાળમાં નદીના ગંદા પાણીને ચોખ્ખું કરવાની ક્ષમતા છે અને પાણીમાં ભળેલાં જોખમી રસાયણો પણ શોષી શકે છે. એ તો ઠીક, બાયોફ્યુઅલ, બાયોમાસ એનર્જી, સપ્લિમેન્ટ પ્રોટીન તરીકે પણ આ શેવાળનો ઉપયોગ થઈ શકે છે. પશુઓનો ચારો પણ બનાવી શકાય છે. કેન્દ્ર સરકારે આ સંશોધનની પેટન્ટને મંજૂરી આપી દીધી છે.