અમેઠીમાં બારમું નાપાસ ડૉક્ટરની ધીકતી કમાણી, મહિના સુધી તો અપૉઇન્ટમેન્ટ પણ મળતી નથી

14 May, 2025 02:18 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

આ બાબતે ડિસ્ટ્રિક્ટ ઑફિસર અનીતા ગુપ્તાએ કહ્યું હતું કે ‘આ ક્લિનિક રજિસ્ટર્ડ છે.`

આ છે એ ડૉક્ટરનું દવાખાનું

ઉત્તર પ્રદેશના અમેઠીના બહોરાપુર ગામમાં છેલ્લાં સાત-આઠ વર્ષથી એક એવું ક્લિનિક કાર્યરત છે જેનો અભિનય પ્રતાપ સિંહ નામનો ડૉક્ટર બારમું ધોરણ નાપાસ છે. આ ક્લિનિકમાં પ્રતાપગઢ, સુલતાનપુર, જૌનપુર અને રાયબરેલીના સેંકડો દરદીઓ રોજ સારવાર માટે આવે છે. 

આ ડૉક્ટરના વિરોધમાં હવે ફરિયાદ થઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘આ બારમું નાપાસ ડૉક્ટર મોટી બીમારીઓની સારવાર કરીને લોકોના જીવન સાથે રમત રમે છે. આ ડૉક્ટર દરદીઓની સારવાર આયુર્વેદ અને ઍલોપથી દવાઓથી કરે છે, પણ તેની પાસે કોઈ ડિગ્રી નથી. આ ડૉક્ટર તેના દરદીઓને જે દવાઓ લખી આપે છે એ દવાના સ્પેલિંગની પણ તેને ખબર નથી. આમ છતાં આ ડૉક્ટર પાસેથી સારવાર મેળવવા માટે એક મહિના અગાઉથી અપૉઇન્ટમેન્ટ લેવી પડે છે. દરરોજ સેંકડો દરદીઓ અહીં સારવાર માટે આવે છે. આ ક્લિનિકમાંથી ડૉક્ટરે ઘણી કમાણી કરી છે અને તેણે પોતાના નામે અનેક એકર જમીન પણ ખરીદી છે.’ 

આ બાબતે ડિસ્ટ્રિક્ટ ઑફિસર અનીતા ગુપ્તાએ કહ્યું હતું કે ‘આ ક્લિનિક રજિસ્ટર્ડ છે. ત્યાં કેવા પ્રકારની સારવાર આપવામાં આવે છે એ તપાસનો વિષય છે. જો આવી કોઈ ફરિયાદ હશે તો અમે તપાસ કરીશું. તપાસમાં જે પણ દોષી ઠરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.’

offbeat news amethi uttar pradesh national news