31 January, 2025 10:35 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
લગ્નનો વિડિયો વાઇરલ થયો તેમાંથી લીધેલ સ્ક્રીનશૉટ
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીમાં એક અનોખી ઘટના બની છે. અપ્લાઇડ સાઇકોલૉજીની અસિસ્ટન્ટ પ્રોફેસર પાયલ બૅનરજીએ કલાસરૂમમાં ફર્સ્ટ યરના સ્ટુડન્ટ સાથે બંગાળી હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યાં હતાં.
દુલ્હનની જેમ શણગાર સજેલી મહિલા પ્રોફેસર અને ફર્સ્ટ યરના વિદ્યાર્થીનાં લગ્નનો વિડિયો વાઇરલ થયો છે એમાં તેઓ એકબીજાને વરમાળા પહેરાવતાં અને વિદ્યાર્થી પ્રોફેસરની સેંથીમાં સિંદૂર પૂરતો દેખાય છે. આજુબાજુ સ્ટાફ-મેમ્બર તથા ટીચરો અને વિદ્યાર્થીઓ તેમને વધાવતા અને સેલ્ફી લેતા તથા ફોટો પાડતા દેખાય છે. પ્રોફેસર બૅનરજીને હવે રજા પર મોકલી દેવામાં આવ્યાં છે અને ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે. વિડિયોમાં જે વિદ્યાર્થી ગ્રીન શર્ટ અને શાલ સાથે દેખાય છે તેની કોઈ ભાળ મળતી નથી.
પ્રોફેસર બૅનરજીએ જણાવ્યું છે કે ‘આ એક પ્રોજેક્ટ માટેનું દૃશ્ય છે. ફર્સ્ટ યરના છાત્રોને વેલકમ કરવા એક સ્કિટ ભજવવાની હતી અને વિદ્યાર્થીઓએ મને મુખ્ય ભૂમિકા કરવા કહ્યું અને મેં એ સ્વીકાર્યું હતું. બીજા ફૅકલ્ટી મેમ્બર્સને પણ આના વિશે જાણ હતી અને તેમણે સહમતી આપી હતી. અમે સ્ક્રિપ્ટ પ્રમાણે માત્ર અભિનય જ કર્યો હતો. આ વિડિયો મારી વિરુદ્ધ હથિયાર તરીકે વાપરવામાં આવ્યો છે.’
આ ઘટનાથી ઘણા સવાલ ઊભા થયા છે કે શું આ નાટક હતું કે હકીકત? વિદ્યાર્થી ક્યાં છે? જો માત્ર નાટક હતું તો પ્રોફેસરને રજા પર કેમ મોકલી દેવામાં આવ્યાં? આ બધા સવાલના જવાબ સઘન તપાસ પછી મળશે.