24 October, 2025 01:43 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાપ વિશે અનેક રસપ્રદ વાતોની ચર્ચા થયા કરતી હોય છે. એવી જ એક મજેદાર વાત છે સાપની ઉંમર વિશે. સામાન્ય રીતે માણસો અને મોટા ભાગનાં પશુઓનું આયુષ્ય વધુમાં વધુ કેટલું હોઈ શકે એનો આપણે અંદાજ કરી લેતા હોઈએ છીએ અને કાચબા જેવા અત્યંત લાંબું જીવતા પ્રાણીથી લઈને માંડ થોડા કલાકનું જ જીવન જીવતાં કીડી-મંકોડા વિશે પણ આપણે સાંભળ્યું છે. સાપ આ લિસ્ટમાં નોખા તરી આવે છે.
મધ્ય પ્રદેશના એક એક્સપર્ટે સાપ વધુમાં વધુ કેટલું લાંબું જીવન જીવી શકે છે એનો ચોક્કસ અંદાજ આપ્યો છે. આ એક્સપર્ટે આપેલી માહિતી પ્રમાણે ભારતમાં ૨૭૦ જેટલી સાપની પ્રજાતિઓ જોવા મળે છે. કેટલાક સાપ રહેવાસી વિસ્તારોમાં પણ જોવા મળે છે તો કેટલાક સાપ માત્ર ગાઢ જંગલમાં જ જોવા મળતા હોય છે. દરેક સાપની પ્રકૃતિ અલગ હોય છે એટલે એમના આયુષ્યની મર્યાદા પણ અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે સાપની ઉંમર પાંચથી ૧૫ વર્ષની હોય છે, પણ અજગર તો ૪૦ વર્ષ સુધીનું લાંબું આયુષ્ય ભોગવી શકે છે. મોટા ભાગના અજગરનું સરેરાશ જીવન પચીસથી ૪૦ વર્ષ સુધીનું હોય છે. જોકે લોકોની હલચલવાળા વિસ્તારોમાં રહેવું પડે તો મોટા ભાગના સર્પોનું આયુષ્ય વધારેમાં વધારે આઠથી ૧૦ વર્ષ જેટલું જ હોય છે, જ્યારે કોબ્રા અને રસેલ વાઇપર જેવા ખતરનાક સર્પ ગમેએવા વિસ્તારોમાં વધુમાં વધુ ૧૫ વર્ષ સુધીનું આયુષ્ય ભોગવી શકે છે.