18 September, 2026 03:33 PM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent
ગણેશજી એટલા સૂક્ષ્મ બનાવ્યા કે એમનો રથ પણ કીડીએ ખેંચ્યો
આંધ્ર પ્રદેશના પેડ્ડાપુરમમાં રહેતા તલાબથુલા સાઈ નામના માઇક્રો-આર્ટિસ્ટે ગણેશોત્સવના અવસર પર ગજાનનની અત્યંત સૂક્ષ્મ એટલે કે માઇક્રો મૂર્તિ બનાવી હતી. આ કલાકૃતિ એટલી સૂક્ષ્મ હતી કે એ મૂર્તિ રથમાં બેસાડ્યા પછી એ રથ કે ટ્રૉલી કીડી પણ ખેંચી શકે એવી હતી. ગણેશજીની પ્રતિમા માત્ર ૧ સેન્ટિમીટર લાંબી અને ૩ મિલિમીટર પહોળી છે. આખી કલાકૃતિ એટલે કે રથ સહિત મૂર્તિનું કુલ વજન માત્ર ૧ ગ્રામ છે. આ સૂક્ષ્મ પ્રતિમા બનાવવા માટે ૧૦૦ મિલિગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ રથમાં લાકડાનો ઉપયોગ કરવા ઉપરાંત સ્ટીલની બૉલબેરિંગ પણ વાપરવામાં આવી છે જેથી એ રથ બિલકુલ અસલી લાગે અને થોડાક જ બળપ્રયોગથી એ ચાલી શકે. કલાકાર સાઈએ ૮ દિવસ સુધી રોજ એક કલાક કામ કર્યું હતું.