28 November, 2025 12:37 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
મહિલા અને તેનો પતિ
કર્ણાટકના બૅન્ગલોરથી લગભગ ૨૮ કિલોમીટર દૂર અટ્ટીબેલે ગામમાં એક મહિલાનું લાંબી માંદગીને કારણે મૃત્યુ થયું. ભલે મૃત્યુ લાંબી માંદગીને કારણે થયું, પરંતુ એ માટે તેના પતિને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. આરોપ છે કે પતિએ તેને મર્ક્યુરી એટલે કે પારાનું ઇન્જેક્શન લગાવ્યું હતું એને કારણે તે ૯ મહિનાથી જીવસટોસટનો જંગ ખેડી રહી હતી. વિદ્યા નામની આ મહિલા માંદી પડી એ પહેલાં જ તેણે પોતાનું નિવેદન આપ્યું હતું. તેનાં લગ્ન બસવરાજ નામના યુવક સાથે થયાં હતાં. બસવરાજ અને તેના સસરા બન્ને તેને વારંવાર અપમાનિત કરતા હતા એવી તેની ફરિયાદ હતી. પતિ તેને પાગલ કહીને ઉતારી પાડતો અને ઘરમાં બંધ કરીને જતો રહેતો. સંબંધીઓને મળવા પણ નહોતો દેતો. વિદ્યાએ આરોપ લગાવ્યો હતો કે આ વર્ષે ૨૬ ફેબ્રુઆરીએ રાતે તે સૂઈ ગઈ હતી તો તેને ઊંઘમાં જ કોઈ ઇન્જેક્શન લગાવી રહ્યું હોય એવું લાગ્યું. છેક બીજા દિવસે સાંજે તે ઊઠી ત્યારે તેના જમણી બાજુના નિતંબમાં ખૂબ જ પીડા થઈ રહી હતી. એ પીડા ધીમે-ધીમે શરીરમાં ફેલાવા લાગી. છેક દસ-બાર દિવસ પછી તેને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાંથી મોટી હૉસ્પિટલમાં રિફર કરાતાં ડૉક્ટરોએ ઊંડી તપાસ કરી. ખબર પડી કે તેના શરીરમાં પારાનું ઝેર ફેલાઈ ગયું છે. ડૉક્ટરોએ ટેસ્ટિંગ માટે સૅમ્પલ મોકલ્યું અને રિઝલ્ટમાં એની પુષ્ટિ થઈ. પારો કાઢવા માટેની કોઈ દવાઓ તેને કામ ન લાગી બલ્કે એને કારણે તેની કિડની સહિત ઇન્ટર્નલ ઑર્ગન્સને નુકસાન પહોંચ્યું હતું અને ધીમે-ધીમે કરતાં ૯ મહિનાના જંગ પછી તે હારી ગઈ હતી.