23 October, 2026 04:03 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
AIથી કર્ણાટકનું વિધાનભવન ઉડાડી માર્યું
કર્ણાટકના વિધાનભવનને બૉમ્બધડાકાથી ઉડાડી માર્યું હોય એવો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં યુવાન એક આંગળીથી ગન બનાવતો હોય એવો ઇશારો કરે છે અને વિધાનભવન તરફ તાકે છે. એ જ વખતે બિલ્ડિંગ ધડાકાભેર આગની જ્વાળાઓમાં ફાટી નીકળે છે. આ ઘટના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી ક્રીએટ કરવામાં આવી છે.
૨૦ ઑક્ટોબરે સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવેલા આ વિડિયો પરથી બૅન્ગલોર પોલીસે જાતે જ આ માણસની શોધ શરૂ કરીને કેસ દાખલ કર્યો હતો. પોલીસે ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસ પરથી વિડિયો અપલોડ કરનારનું અકાઉન્ટ શોધ્યું હતું અને હઝરત અલી નામના પચીસ વર્ષના યુવાનને પકડ્યો હતો. આ યુવાન મૂળ બિહારના અરરિયા જિલ્લાનો રહેવાસી છે અને થોડા મહિના પહેલાં જ બૅન્ગલોર શિફ્ટ થયો છે. તે અહીં રોજમજૂર તરીકે કામ કરે છે. પોલીસે તેની અટકાયત કરીને આવું કરવા પાછળની મંશા માટે પૂછપરછ શરૂ કરી છે.