20 October, 2025 10:32 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમને યાદગાર વિદાય આપી હતી
બૅન્ગલોરની એક સ્કૂલના પ્યુને ૩૮ વર્ષ એક સરકારી સ્કૂલમાં કામ કર્યું હતું. રિટાયર થયા અને સ્કૂલનો છેલ્લો દિવસ હતો ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમને યાદગાર વિદાય આપી હતી. રોજ સ્કૂલ શરૂ થાય અને પૂરી થાય એનો ઘંટ વગાડતા પ્યુને જ્યારે છેલ્લી વાર સ્કૂલ છૂટવાનો ઘંટ વગાડ્યો ત્યારે બધી જ સ્ટુડન્ટ્સે ત્યાં હાજર રહીને તાળીઓ પાડીને તેમને વધાવી લીધા હતા. આ ઘટના બૅન્ગલોરની બિશપ કૉટન ગર્લ્સ સ્કૂલની છે. ૧૯૮૬માં એક પ્યુનની ભરતી થયેલી જેમણે છેક ગયા અઠવાડિયા સુધી તેમનું કામ કર્યું હતું. તેમની હાજરીમાં કંઈકેટલાય સ્ટુડન્ટ્સની બૅચ આવી અને ગઈ, પણ આ પ્યુનભાઈએ તેમનું કામ હસતા મોંએ અને પૂરી નિષ્ઠાથી નિભાવ્યું. ૩૮ વર્ષ પછી તેમનો સ્કૂલમાં છેલ્લો દિવસ હતો એની ઘટનાનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર થયો છે. @amiKutty નામના યુઝરે શૅર કરેલા આ વિડિયોમાં પ્યુન અંકલ સ્કૂલનો બેલ છેલ્લી વાર વગાડી રહ્યા છે અને બધી જ વિદ્યાર્થિનીઓ તેમને ક્લૅપ કરીને વધાવે છે ત્યારે સૌની આંખોમાં આંસુ હોય છે. કૅપ્શનમાં લખ્યું છે, ’૩૮ વર્ષ બાદ દાસ અંકલે તેમનો છેલ્લો ઘંટ વગાડ્યો. તેમનું હાસ્ય, શાંત સમર્પણ અને તેમની ઉપસ્થિતિ માત્ર સ્કૂલનો એક મહત્ત્વનો હિસ્સો હતી.’ દોઢ કરોડથી વધુ વ્યુઝ આ વિડિયોને મળી ચૂક્યા છે.