03 June, 2026 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉનાળાની વધતી ગરમીમાં પાવરકટ અને લોડની સમસ્યાનો ઉકેલ હવે ઝડપથી આવશે. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા ઇલેક્ટ્રિસિટીના કેબલ-ફૉલ્ટને ઝડપથી સુધારવા માટે ૨૦ કરોડ રૂપિયાના વિશેષ ઍક્શન પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. નવા પ્લાન અંતર્ગત વીજળી ગુલ થવાની ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે મોટા પાયે મૅનપાવર પણ વધારવામાં આવશે. કેબલના સર્જાતા ફૉલ્ટને ઝડપથી શોધવા અને રિપેરિંગની કામગીરીને વેગ આપવા માટે આશરે ૬૯૦ જેટલા ફીલ્ડ કર્મચારીઓની નવી ભરતી કરવામાં આવશે. વીજળીની ફરિયાદોને પહોંચી વળવા માટે BESTના ટ્રાન્સપોર્ટ વિભાગમાંથી ૧૨૭ ડ્રાઇવરો અને ૧૦૦ મેકૅનિક્સની પણ બદલી કરવામાં આવશે.
આ ઉપરાંત તાડદેવ વિસ્તારમાં એક નવું ઍડિશનલ ફૉલ્ટ કન્ટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવશે. કેબલમાં ખામી સર્જાય એ દરમ્યાન વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તાત્કાલિક પાવર સપ્લાય શરૂ કરી શકાય એ માટે ક્રૂ મેમ્બર્સ સાથેના ડીઝલ જનરેટર સેટ અને એરિયલ લિફ્ટ ભાડે રાખવામાં આવશે.