રાતે ચેકિંગ દરમ્યાન બદમાશો પોલીસનું જ અપહરણ કરી ગયા

12 August, 2026 07:40 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

ભોપાલમાં રૂટીન તપાસ દરમિયાન બે શંકાસ્પદ બદમાશોએ પોલીસ-ઇન્સ્પેક્ટરને જ કારમાં બેસાડી અપહરણ કરી હાથ-પગ બાંધી આખી રાત મારપીટ કરી હતી.

રાતે ચેકિંગ દરમ્યાન બદમાશો પોલીસનું જ અપહરણ કરી ગયા

મધ્ય પ્રદેશના ભોપાલના શાહપુરા વિસ્તારમાં રૂટીન તપાસ દરમ્યાન બે બદમાશો તેમની તલાશી લેવા માટે રોકનાર પોલીસ-ઇન્સ્પેક્ટર સુંદરરામ પટેલને ઉપાડી ગયા હતા. વાત એમ હતી કે સુંદરરામની સાથે બીજો એક કૉન્સ્ટેબલ પણ હતો. બન્નેએ મળીને કારમાં બેઠેલા બે શંકાસ્પદ લોકોને પોલીસ-થાણે આવવાનું કહ્યું હતું. બીજો કૉન્સ્ટેબલ બાઇક પર આગળ ગયો હતો જ્યારે સુંદરરામ કારમાં તેમની સાથે બેસીને શંકાસ્પદ બદમાશોને થાણે લાવવા માટે બેઠા હતા. જોકે કારની અંદર બેઠા પછી પેલા બદમાશોએ પોલીસને પકડીને હાથ-પગ બાંધી દીધા અને મોં પર પટ્ટી બાંધીને તેમને કારમાં પૂરી દીધા હતા. એ પછી આખી રાત કાર શહેરમાં ઘૂમતી રહી અને અંદર તેમની સાથે મારપીટ થતી રહી. બીજા કૉન્સ્ટેબલની ફરિયાદથી જ્યારે પોલીસ-વિભાગના મોટા અધિકારીઓને આ ઘટનાની ખબર પડી અને તેમની કાર શોધવાની મૂવમેન્ટ શરૂ થઈ એટલે બદમાશો સુંદરરામને એક રસ્તા પાસે ફેંકીને ફરાર થઈ ગયા હતા. પોલીસની આ ફજેતીના મામલાને પહેલાં તો મોટા ઑફિસરોએ ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી. સાથી કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સોગંદ ખવડાવીને કહેવામાં આવ્યું કે આ વાત ક્યાંય બહાર ન જવી જોઈએ. એમ છતાં કોઈક રીતે આ ઘટના બહાર આવી જ ગઈ.

bhopal madhya pradesh Crime News offbeat news hatke news