13 January, 2026 11:21 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહારના બાંકા જિલ્લાના અમરપુર ગામનાં ૬૦ વર્ષનાં એક દાદીની તેમનાથી ૨૫ વર્ષ નાના યુવક સાથેની પ્રેમકથાએ ગામમાં ખળભળાટ મચાવી દીધો છે. દાદીને ઘોબરી ગામના એક યુવક સાથે પ્રેમ થઈ જતાં બન્ને થોડા દિવસ
પહેલાં જ ભાગી ગયાં હતાં. બન્નેએ લગ્ન પણ કરી લીધાં. જોકે દાદી ઑલરેડી મૅરિડ છે અને તેમને પુત્ર અને પ્રપૌત્ર પણ છે. રવિવારે આ અનોખું જોડું અમરપુર બસ-સ્ટૅન્ડ પર પહોંચ્યું હતું. જોકે એની દાદીના ઘરવાળાઓને ખબર પડતાં દાદીના પતિ અને પુત્ર આવી પહોંચ્યા અને યુવકને પકડીને ખૂબ માર માર્યો. જોકે એ વખતે દાદી આ યુવકની વહારે ધાયાં અને તેમણે જાતે જ પોતાના પ્રેમનો ખુલાસો ગામલોકો સામે કર્યો. તેમણે કહ્યું કે ૪ મહિના પહેલાં જ તેમને આ યુવક સાથે પ્રેમ થયો હતો. બન્નેએ પહેલાં વાતો કરવાની શરૂ કરેલી અને જ્યારે લાગ્યું કે બન્ને એકમેકને પસંદ કરી રહ્યાં છે ત્યારે તેમણે પોતપોતાના ઘરેથી ભાગીને ભાગલપુર સ્ટેશને મળવાનું નક્કી કર્યું હતું. મહિલાના દાવા મુજબ તેમણે લુધિયાણામાં લગ્ન કરી લીધાં છે. જોકે એ પછી પણ યુવક સાથેની મારપીટ ન અટકતાં પોલીસે વચ્ચે પડવું પડ્યું હતું.