05 December, 2025 01:00 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
જુઓ જાનૈયાઓએ કેવો હોબાળો મચાવ્યો હતો!
બિહારના બોધગયામાં ૨૯ નવેમ્બરે એક હોટેલમાં લગ્નસમારંભ ચાલી રહ્યો હતો. વરપક્ષને ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. જોકે એ વખતે રસગુલ્લા ઓછા પડ્યા એટલે જાનૈયાઓએ હોબાળો મચાવ્યો. મીઠાઈ ઓછી પડતાં પહેલાં ઝઘડો થયો અને પછી વાત એટલી વણસી કે લોકોએ પહેલાં એકબીજા સામે ખાવાનું ફેંક્યું અને પછી જે હાથમાં આવ્યું એ ઊંચકીને મારામારી થઈ ગઈ. વરપક્ષના લોકો તોફાને ચડ્યા તો કન્યા પક્ષવાળા કેમ પાછા પડે? તેઓ પણ ઝઘડામાં ઊતર્યા અને બન્ને પક્ષ વચ્ચે મારપીટ અને ગડદાપાટુ સુધી વાત પહોંચી ગઈ. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા. લગ્ન તો અટકી જ પડ્યાં, પરંતુ ઘાયલોને હૉસ્પિટલમાં પહોંચાડવા પડ્યા. લગ્નમાં જયમાલા પૂરી થઈ ગઈ હતી અને હવે માત્ર વરવધૂને મંડપમાં બોલાવીને લગ્નની ફાઇનલ વિધિ બાકી હતી, પણ રસગુલ્લાથી શરૂ થયેલા ઝઘડાએ લગ્ન ખોરંભે ચડાવી દીધાં. આટલી ધમાલ છતાં દુલ્હનપક્ષ લગ્ન કરવા તૈયાર હતો, પરંતુ વરપક્ષ તૈયાર નહોતો. બહુ સમજાવટ બાદ વરપક્ષ માન્યો તો પછી લગ્નમાં આપવામાં આવેલી રોકડ રકમને લઈને વાત બગડી અને લગ્ન મોકૂફ રહ્યાં.