આંતરજ્ઞાતીય લવમૅરેજ કર્યાં તો નારાજ પિતાએ જીવતી દીકરીના પૂતળાની નનામી કાઢીને અગ્નિસંસ્કાર કરી દીધા

17 September, 2026 07:54 PM IST  |  Purnia | Gujarati Mid-day Correspondent

બિહારના પૂર્ણિયામાં આંતરજ્ઞાતીય પ્રેમલગ્નથી નારાજ પિતાએ દીકરી રિયાનો પૂતળો બનાવી તેની નનામી કાઢી અને દાહસંસ્કારની વિધિ કરી. પિતાએ કહ્યું કે દીકરીએ પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી હવે તેની સાથે સંબંધ નથી.

જીવતી દીકરીનો દાહસંસ્કાર

બિહારના પૂર્ણિયા જિલ્લાના ચપલ ગામમાં મનોજ ગોસ્વામી નામના ભાઈએ દીકરી રિયા કુમારીનાં પ્રેમલગ્નથી નારાજ થઈને પોતાની જ દીકરીના જીવતેજીવ અગ્નિસંસ્કાર કરી નાખ્યા. રિયાને એ જ ગામના મિલન પાસવાન નામના યુવાન સાથે પ્રેમ હતો. તેમની વચ્ચેના અફેરની જાણકારી બન્ને પરિવારને હતી. બન્ને પરિવારો પોતાનાં દીકરા-દીકરીથી નારાજ હતા એટલે બન્નેએ ભાગીને લગ્ન કરી લીધાં. જોકે મામલો આંતરજ્ઞાતીય લગ્નનો હતો એટલે છોકરીનો પરિવાર આ સંબંધના સખત વિરોધમાં હતો. દીકરીના ભાગીને લગ્ન કરવાના પગલાથી ગુસ્સે ભરાઈને પિતા મનોજ ગોસ્વામીએ પોતાના સમાજ અને ગામજનોની હાજરીમાં દીકરી સાથેના તમામ સંબંધો પૂરા કરી દેવાની જાહેરાત કરી દીધી. વાત એટલેથી અટકી નહીં, તેમણે દીકરીનું પૂતળું બનાવ્યું અને ઢોલ-નગારાં સાથે તેની નનામી કાઢીને આખા ગામમાં ફેરવી. એ પછી ગામની બહાર પૂતળાને મુખાગ્નિ આપીને દાહસંસ્કારની રસમ પણ કરી નાખી. પિતાનું કહેવું હતું કે તેમણે લોહીપાણી એક કરીને દીકરીને ભણાવીગણાવી હતી, પણ દીકરીએ પરિવારની સામાજિક પ્રતિષ્ઠા ધૂળમાં મેળવી નાખી હોવાથી દીકરી હવે તેમના માટે મરી ચૂકી છે.

bihar patna news offbeat news hatke news