13 February, 2025 05:27 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
લોનવાલી શાદી : લોન-રિકવરી એજન્ટ સાથે પ્રેમ થઈ ગયો પરણેલી મહિલાને
બિહારના જમુઈમાં એક ચોંકાવનારો પ્રેમ-કિસ્સો બહાર આવ્યો છે. એક પરણેલી મહિલાને લોન-રિકવરી માટે આવતા બૅન્કના એક કર્મચારી સાથે પ્રેમ થઈ જતાં તે પતિને છોડીને બૅન્ક-કર્મચારી સાથે ભાગી ગઈ અને મંદિરમાં લગ્ન કરી લીધાં. આ લગ્ન ત્યાં ‘લોનવાલી શાદી’ તરીકે ચર્ચામાં છે.
બૅન્કમાં કામ કરતો જાજલ ગામનો રહેવાસી પવનકુમાર ગામેગામ ફરીને લોન-રિકવરીનું કામ કરતો હતો. થોડા મહિના પહેલાં તેની મુલાકાત ટાન્ડ ગામની ઇન્દિરાકુમારી સાથે થઈ હતી. લોન-રિકવરી માટે આવ-જા કરતા પવનકુમાર પર ઇન્દિરાકુમારીનું દિલ આવી ગયું અને તેમની વચ્ચે સંપર્ક વધતાં તેઓ કલાકો સુધી વાતો કરવા માંડ્યાં અને છુપાઈ-છુપાઈને મળવા માંડ્યાં. દોઢ વર્ષ પહેલાં ઇન્દિરાકુમારીનાં લગ્ન થયાં હતાં. તેનો પતિ દારૂ પીને તેની મારપીટ કરતો હતો. ભાગી જઈને બન્નેએ જીવનભર સાથે રહેવા માટે ત્રિપુરારી ઘાટ પરના ભૂતનાથ મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કરી લીધાં છે.