25 July, 2026 12:07 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ઘોસોત નામના નાના ગામમાં ૩ દીકરીઓએ દીકરાની ફરજ નિભાવીને પિતાની અંતિમયાત્રાને કાંધ આપી હતી. જોકે ઘોસોત ગામના સંકુચિત માનસિકતા ધરાવતા સમાજે આ પરિવારનો જબરો વિરોધ પણ કર્યો હતો. ૬૫ વર્ષના દુર્ગા સાહનીને માત્ર ૩ દીકરીઓ જ હતી. તેમને કોઈ દીકરો નહોતો. પરિવારમાં કોઈ દીકરો ન હોવા બાબતે સમાજમાં વારંવાર પિતાએ સમાજના ટોણા પણ સાંભળ્યા હતા. જોકે તેમના મૃત્યુ સમયે દીકરીઓએ જે કર્યું એ કોઈ પણ સમાજને નવી દિશા આપનારું હતું. ગામના પાટીદારો સાથે આ પરિવારને સંપત્તિને
લઈને વિવાદ ચાલતો હોવાથી દુર્ગાભાઈને મૃત્યુ પછી કોઈ મદદ કરવા તૈયાર નહોતું. એવામાં દીકરીઓએ જાતે અંતિમયાત્રા અને અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી તો એમાં પણ સમાજને વાંકું પડ્યું. એક મહિલા આ કામ કરશે? એક મહિલા મસાણમાં જશે? એ બાબતે પરિવારનો બહિષ્કાર કરવામાં આવશે એવી ધમકી પણ આપી. જોકે દીકરીઓ માની નહીં. ત્રણેય દીકરીઓ અને એક દોહિત્રએ અર્થીને કાંધ આપી અને નાની દીકરીએ મુખાગ્નિ આપ્યો હતો. અગ્નિસંસ્કાર પત્યા પછી પણ વિરોધ ચાલુ રહેતાં ગામના મુખિયા તેમની મદદે આવ્યા અને તેમણે ચીમકી આપી હતી કે જો હવે કોઈ વિરોધ કરશે તો પોલીસમાં ફરિયાદ કરવામાં આવશે ત્યારે મામલો શાંત પડ્યો.