✕

રીલ બનાવવા માટે મહિલાએ રેલવે-સ્ટેશન પર કોલ્ડ ડ્રિન્કથી સ્નાન કર્યું, પોલીસે પકડી લીધી

02 October, 2026 01:58 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

રેલવે-સ્ટેશનનો દુરુપયોગ કરવા બદલ રેલવે-ઍક્ટ ૧૪૫ અને ૧૪૭ અંતર્ગત ફરિયાદ નોંધી છે. 

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

બિહારના બખ્તિયારપુર જંક્શન રેલવે-સ્ટેશન પર લાલચટક સાડી પહેરીને એક મહિલાએ કોલ્ડ ડ્રિન્કની મોટી બૉટલ માથે ઠાલવીને સ્નાન કર્યું. વર્ષા દેવી નામની આ મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને ફેમસ થવા માટે લગભગ બે લીટરની બૉટલ પોતાના માથે રેડી. આવું કરવાનો તેનો હેતુ શું હતો? માત્ર કંઈક અવળીતરું કરીને લોકોનું ધ્યાન ખેંચવું. આ વિડિયો વાઇરલ થયો અને કેટલાક લોકોએ તો આ વિડિયોમાં રેલવે પોલીસ ફોર્સ (RPF)ને ટૅગ કરીને આવાં ધતિંગો સામે પગલાં લેવાની સલાહ આપી. પોલીસ પાસે આ વિડિયો પહોંચ્યો એટલે વિડિયો ક્રીએટ ક્યાંથી થયો છે એની ટેક્નિકલ માહિતી મેળવીને પોલીસ વર્ષા નામની કન્ટેન્ટ-ક્રીએટર સુધી પહોંચી ગઈ. આ વિડિયોમાં ભલે ૨૬ વર્ષની વર્ષા દેવી જ દેખાતી હોય, પણ અન્ય બે કન્ટેન્ટ-ક્રીએટર્સ બંટી કુમાર અને સરિતા કુમારી પણ સંકળાયેલાં હતાં. પોલીસે ત્રણેયને પકડી લીધાં છે અને રેલવે-સ્ટેશનનો દુરુપયોગ કરવા બદલ રેલવે-ઍક્ટ ૧૪૫ અને ૧૪૭ અંતર્ગત ફરિયાદ નોંધી છે. 

offbeat news bihar national news india Crime News