22 July, 2026 01:52 PM IST | Bikaner | Gujarati Mid-day Correspondent
માચીસનાં ૩૫,૦૦૦ બૉક્સનું કલેક્શન કર્યું ભાઈ-બહેનની જોડીએ
રાજસ્થાનના બીકાનેરમાં ૧૫ વર્ષની સ્વરૂપા સોની છેલ્લાં પાંચ વર્ષથી માચીસનાં બૉક્સનું કલેક્શન કરી રહી છે. તેણે માત્ર ભારતમાંથી જ નહીં, દુનિયાના અન્ય દેશોમાં ઉપલબ્ધ રૅર મૅચબૉક્સ પણ એકત્રિત કર્યાં છે. તેના આ મિશનમાં નાના ભાઈ પ્રિન્સે પણ હવે મદદ કરવાની શરૂ કરી દીધી છે. પાંચ વર્ષમાં આ ભાઈબહેનની જોડી પાસે ૩૫,૦૦૦થી વધુ મૅચબૉક્સનું કલેક્શન થઈ ચૂક્યું છે. ભારત ઉપરાંત ઇંગ્લૅન્ડ, જપાન, અમેરિકા, ઇઝરાયલ, ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયા જેવા દેશોની માચીસ તેની પાસે છે. ભારતના દરેક રાજ્યમાં અલગ-અલગ બ્રૅન્ડની મૅચબૉક્સની ડિઝાઇન્સ જુદી હોય છે. હવે તો કેટલાંક મૅચબૉક્સિસ બજારમાં મળતાં પણ નથી, એને પણ સ્વરૂપાએ સંભાળીને રાખ્યાં છે.
સ્વરૂપાના પપ્પાને જૂની નોટો, સિક્કા અને પોસ્ટલ સ્ટૅમ્પ્સ સંઘરવાનો શોખ છે. એ જોઈને તેને પણ મન થયું કે તે પણ પોતાની રીતે એવું આગવું કલેક્શન તૈયાર કરે જે અદ્વિતીય ગણાય. હવે સ્વરૂપા અને પ્રિન્સ તેમના કલેક્શનનું બીકાનેરમાં એક સ્થાયી મુઝિયમ બનાવવા માગે છે.