29 June, 2026 12:01 PM IST | karnataka | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
શનિવારે કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં હાઇવે પર જતી કારમાં બ્લાસ્ટ થયો અને અંદર બેઠેલો એક યુવક જીવતો ભૂંજાયો હતો. આ અકસ્માતે બૅન્ગલોરમાં સનસનાટી મચાવી દીધી છે અને આ ઘટના પાછળની સ્ટોરી ચર્ચાનું કારણ બની છે. ઘટના પાછળનું કારણ છે એક સનકી બૉયફ્રેન્ડ, જેણે મોબાઇલ-નંબર બ્લૉક કરતાં ગર્લફ્રેન્ડનું અપહરણ કરી લીધું. જોકે વાત આટલે પૂરી ન થઈ. તેણે કારમાં જ પ્રેમિકા પર ધારદાર ચાકુથી હુમલો કરી દીધો. હુમલા બાદ યુવતી અને કૅબ-ડ્રાઇવર જેમતેમ કરીને કારમાંથી બહાર નીકળી ગયાં એની થોડી જ વારમાં કારમાં બ્લાસ્ટ થયો અને યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું.
નાગેન્દ્ર અને બૅન્ગલોરની સંજય ગાંધી હૉસ્પિટલમાં ઑપરેશન થિયેટર અસિસ્ટન્ટ તરીકે કામ કરતી રમ્યા છેલ્લાં ૬ વર્ષથી રિલેશનશિપમાં હતાં. નાગેન્દ્ર તેના પર લગ્ન માટે સતત દબાણ કરતો હતો, પરંતુ રમ્યાએ ઇનકાર કરીને છેલ્લા ૬ મહિનાથી તેનો ફોન-નંબર બ્લૉક કરી દીધો હતો. શનિવારે સવારે નાગેન્દ્ર રમ્યાની રૂમ પર પહોંચ્યો હતો અને છરીની અણીએ તેને મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક કૅબમાં બેસાડી દીધી હતી અને કહ્યું કે ચાલ, આપણે બન્ને સાથે જ મરી જઈએ. તેણે ખિસ્સામાંથી ક્રૂડ બૉમ્બ બહાર કાઢ્યા હતા અને રમ્યા પર છરીથી હુમલો કરીને તેને ઘાયલ કરી દીધી હતી. જોખમ પારખીને ડ્રાઇવરે તરત કાર રોકી દીધી હતી અને તે તથા રમ્યા જીવ બચાવીને બહાર ભાગ્યાં હતાં. એ જ ક્ષણે કારમાં જોરદાર બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. નૅશનલ હાઇવે પર બનેલા આ બનાવને પગલે એક કિલોમીટર સુધી ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.