08 July, 2026 12:45 PM IST | Brasília | Gujarati Mid-day Correspondent
બ્રાઝિલના સુલ શહેરમાં જ્યારે પણ પૂર આવે છે ત્યારે રુલિયનનો આ કિસ્સો લોકો મિસાલ તરીકે યાદ કરે છે
વીસ વર્ષના રુલિયન ડાયસ અમારાલ નામના બ્રાઝિલના રહેવાસીએ તાજેતરમાં પૂર સમયનો પોતાનો અનુભવ સોશ્યલ મીડિયા પર શૅર કરીને લોકોને ચકિત કરી દીધા છે. આમ તો આ ઘટના બે વર્ષ જૂની છે. ૨૦૨૪માં બ્રાઝિલમાં તે જે ગામમાં રહેતો હતો એ સુલ શહેરમાં પૂર આવ્યું. અચાનક પૂરનાં પાણી શહેરમાં ફરી વળ્યાં હતાં. રુલિયન તેના પાડોશીને હૉસ્પિટલ મૂકવા ગયો હતો એ જ વખતે આ ઘટના ઘટી અને ઘરમાં ૮ મહિનાની પ્રેગ્નન્ટ પત્ની એલિવાન્ડા ફસાઈ ગઈ. જ્યારે રુલિયન પાછો આવ્યો ત્યારે ઘરમાં પાણી ઘૂસી ગયેલું. પૂરમાં ચાલીને પત્નીને બચાવી શકાય એમ નહોતું એટલે રુલિયને ઘરમાં પડેલા ડબલ ડોર ફ્રિજને ખાલી કરી દીધું અને એમાં પત્નીને અંદર બેસાડી દીધી. આ ફ્રીઝ પાણીમાં તરવા લાગ્યું. રુલિયન ફ્રિજને ધક્કા મારી-મારીને પાણીના વહેણથી દૂર થોડીક ઊંચી જગ્યા સુધી લઈ ગયો હતો. પાણીનો પ્રવાહ એટલો હતો કે વચ્ચે ફ્રિજ પલટી ખાઈ ગયું, પરંતુ એ પછી પણ તેની પત્નીને એમાં કંઈ થયું નહોતું. થોડાક ઊંચા સ્થળે પહોંચ્યા પછી તેણે પત્નીને ફ્રિજમાંથી બહાર કાઢી હતી અને બન્ને તરીને સેફ જગ્યાએ પહોંચી ગયાં. નવાઈની વાત એ છે કે આ ઘટનાને કારણે ખૂબ ડરી ગયેલી તેની પત્નીને થોડા જ સમયમાં પ્રસૂતિ થઈ ગઈ. દીકરી મારિયાનો જન્મ થયો અને એ પણ સંપૂર્ણ સ્વસ્થ હતી. બ્રાઝિલના સુલ શહેરમાં જ્યારે પણ પૂર આવે છે ત્યારે રુલિયનનો આ કિસ્સો લોકો મિસાલ તરીકે યાદ કરે છે.