દુલ્હાને છાપુ વાંચતા ન ફાવ્યું એટલે નવવધૂએ લગ્ન ફોક કરી દીધા

24 June, 2021 09:20 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

જાનૈયાઓ લગ્નને માંડવે આવીને ઊભા હતા અને વરને પોંખવામાં આવી રહ્યો હતો એ વખતે જયમાળાની વિધિ દરમ્યાન અચાનક તેમને વરરાજાની આંખોની દૃષ્ટિ નબળી હોવાનો વહેમ ગયો

પ્રતીકાત્મક તસવીર

લગ્નજીવનમાં એક જ વાર બનતી ઘટના છે જેમાં બન્ને પક્ષની કેટલીક અપેક્ષા હોય છે, જે પૂર્ણ ન થાય તો જીવનભરનો અફસોસ રહી જાય છે. વર અને કન્યા બન્ને જો પોતાની માનસિક અને શારીરિક નબળાઈ વિશે પહેલેથી જ પેટછૂટી વાત કરી દે તો પછીથી મનદુઃખ રહેતું નથી.

ઉત્તર પ્રદેશના જમાલીપુરા ગામની એક યુવતીનાં લગ્ન મહારાજપુર ગામના યુવક સાથે નિર્ધાર્યાં હતાં. જાનૈયાઓ લગ્નને માંડવે આવીને ઊભા હતા અને વરને પોંખવામાં આવી રહ્યો હતો એ વખતે જયમાળાની વિધિ દરમ્યાન અચાનક તેમને વરરાજાની આંખોની દૃષ્ટિ નબળી હોવાનો વહેમ ગયો. જયમાળા પહેરાવવા આવેલી નવવધૂએ પોતાની શંકાની ખાતરી કરવા એક અખબાર મગાવ્યું અને વરરાજાને વાંચવા કહ્યું. વરરાજાએ એ વાંચવામાં અસમર્થતા બતાવી તો કન્યાપક્ષવાળા વરની નબળાઈ છુપાવવા બદલ વરપક્ષ પર વરસી પડ્યા અને લગ્નની વિધિ આગળ વધારવાનો ઇનકાર કરી દીધો. વરપક્ષવાળાએ પોતાની બાજુ સ્પષ્ટ કરવાની ઘણી કોશિશ કરી પરંતુ વાત વણસી ચૂકી હતી. કન્યાપક્ષવાળાએ વરપક્ષના લોકોને કહ્યું કે જો વરરાજાની આંખોની નબળાઈની વાત પહેલેથી થઈ ગઈ હોત તો આટલો ખર્ચ અને બદનામી ન થાત. મામલો ન ઉકેલાતાં જાન પાછી વાળવામાં આવી હતી.

કન્યા પક્ષના લોકોએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ ચાલી રહી છે.

offbeat news national news uttar pradesh