17 March, 2025 12:54 PM IST | London | Gujarati Mid-day Correspondent
ચીઝી ચિકન પાસ્તા
બ્રિટનનો કૅમેરોન કેલેઘન મૅન્ચેસ્ટરથી વેકેશન માટે થાઇલૅન્ડ જઈ રહ્યો હતો ત્યારે મૅન્ચેસ્ટરથી અબુ ધાબી આવતી વખતે તેને ફ્લાઇટમાં આપવામાં આવેલા ટમેટા, ચીઝી ચિકન પાસ્તા ખાધા બાદ તેની તબિયત લથડી હતી અને છ કલાકની ફ્લાઇટમાં ૩૦ વાર ઊલટી થઈ હતી અને બે વાર ઝાડા થઈ ગયા હતા. તેને પેટમાં અસહ્ય દુખાવો પણ થતો હતો. તે એતિહાદ ઍરલાઇન્સમાં ટ્રાવેલ કરી રહ્યો હતો ત્યારે તેને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે જ્યારે તેને ફૂડ સર્વ કરવામાં આવ્યું ત્યારે જ એમાં વિચિત્ર વાસ આવતી હતી, પણ તે ભૂખ્યો હોવાથી ચિકન પાસ્તા ખાઈ ગયો હતો. ત્યાર બાદ તેની તબિયત બગડી હતી. તેણે ઍરલાઇન-ક્રૂને આ મુદ્દે ફરિયાદ કરી હતી. તેને એટલી નબળાઈ આવી ગઈ હતી કે તે ઊભો પણ રહી શકતો નહોતો. તેની તકલીફને જોઈને ક્રૂએ તેના માટે એક ટૉઇલેટ રિઝર્વ રાખ્યું હતું. લૅન્ડિંગ બાદ વિમાનમાંથી તેને વ્હીલચૅરમાં બેસાડીને બહાર લઈ જવામાં આવ્યો હતો.
આ મુદ્દે ઍરલાઇન્સના પ્રવક્તાએ મીડિયા સાથે વાતચીતમાં એ બાબતે ઇનકાર કર્યો હતો કે પ્રવાસીની તબિયત બગડવા માટે ફ્લાઇટમાં સર્વ કરવામાં આવેલું ફૂડ જવાબદાર હતું.