RCBની આ બ્રિટિશ ફૅન ૬૮૮૦ કિલોમીટર ટ્રાવેલ કરીને ખાસ ફાઇનલ જોવા અમદાવાદ આવી

04 June, 2026 02:22 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અહીં લોકો સાચે જ ક્રિકેટને જીવતા અને શ્વાસમાં લેતા જોવા મળ્યા. અલવિદા ઇન્ડિયા નહીં, ફિર મિલેંગે ઇન્ડિયા.

બ્રિટનના હર્ટફર્ડશરમાં રહેતી એરિકા મૉરિસ

બ્રિટનના હર્ટફર્ડશરમાં રહેતી એરિકા મૉરિસ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની જબરી ફૅન છે. RCB ફાઇનલમાં આવ્યું છે એ જાણીને અનેક લોકોએ અમદાવાદ જઈને મૅચ જોવાના પ્રોગ્રામ બનાવ્યા, આવા RCB-ફૅન્સની યાદીમાં બ્રિટનમાં રહેતાં આ બહેન પણ સામેલ હતાં. એરિકા માત્ર મૅચ જોવા માટે ઇન્ડિયા આવી હતી અને જસ્ટ ૩ દિવસ તેણે ઇન્ડિયામાં ગાળ્યા હતા. અજનબી દેશમાં એકદમ અજાણ્યા લોકોએ તેને શહેરમાં ફરવામાં કઈ રીતે મદદ કરી અને અલગ-અલગ રીતે તેનું સ્વાગત કર્યું એનો અનુભવ તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. તેણે કહ્યું કે ભારતમાં મને જે મળ્યું એ ક્રિકેટથી અનેક ગણું વધુ અને મોટું હતું, હવે ઘરે પાછા ફરીને એવું લાગે છે કે મારું પોતાનું કંઈક હું પાછળ છોડીને આવી છું.

તેની પોસ્ટમાં એરિકાએ લખ્યું છે...
માત્ર ૩ દિવસ માટે ૪૨૭૫ માઇલની સફર કરીને હું ઇન્ડિયા આવી. એકલી જ. માત્ર ૭૨ કલાક માટે. આ બધું માત્ર RCBની મૅચ જોવા માટે. કાગળ પર આ વાત અજીબ લાગી શકે. થકવી નાખનારી ફ્લાઇટ, ઊંઘવાનો ખૂબ જ ઓછો સયમ અને એક એવા દેશમાં ફરવાનું જ્યાં મેં પહેલાં કદી પગ નથી મૂક્યો. બધું જ એક ક્રિકેટ ટીમ માટે. 

જોકે ક્યારેક જિંદગીની સૌથી સારી ચીજો આવી જ વાતોથી શરૂ થાય છે. મને ઇન્ડિયામાં જે મળ્યું એ ક્રિકેટ કરતાં ઘણું વધુ અને મોટું હતું. જે પણ લોકો મને મળ્યા તેમણે ખૂબ સારો વ્યવહાર કર્યો. મેં કોઈને રસ્તો પૂછ્યો તો તેમણે સુનિશ્ચિત કર્યું કે હું જ્યાં જવા માગું છું ત્યાં સુધી પહોંચું. વાતો કરી, સૂચનો આપ્યાં અને જાતજાતના કિસ્સાઓ પણ શૅર કર્યા. અજાણ્યા લોકોના આ એક દેશે મારું સ્વાગત કરીને મને વધાવી લીધી. 

અને ક્રિકેટની તો શું વાત કરું? સ્ટેડિયમમાં ચોમેર શોર, જોશ, રંગો, એનર્જી છવાયેલાં હતાં. આ કોઈ ગેમ જોવા જેવું ઓછું હતું. અહીં લોકો સાચે જ ક્રિકેટને જીવતા અને શ્વાસમાં લેતા જોવા મળ્યા. અલવિદા ઇન્ડિયા નહીં, ફિર મિલેંગે ઇન્ડિયા.

offbeat news royal challengers bangalore great britain cricket news ahmedabad indian premier league gujarat titans narendra modi stadium