09 January, 2026 02:28 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
ગૂમડું ફોડ્યું તો એમાંથી ખૂબબધા પસ ઉપરાંત લોહીના ફુવારાની સાથે એક બુલેટ પણ નીકળી આવી હતી.
હરિયાણાના ફરીદાબાદમાં ડબુઆ કૉલોનીમાં રહેતી કવિતા નામની એક મહિલાને જાંઘ પાસે એક ગૂમડું થયું હતું. આ ગૂમડું કેમેય મટી જ નહોતું રહ્યું. ગૂમડું કાપવા માટે તે નજીકમાં આવેલી સર્વોદય હૉસ્પિટલમાં ગઈ. ડૉક્ટરોએ કટ મૂકીને ગૂમડું ફોડ્યું તો એમાંથી ખૂબબધા પસ ઉપરાંત લોહીના ફુવારાની સાથે એક બુલેટ પણ નીકળી આવી હતી. ડૉક્ટરો માટે પણ એ નવાઈ હતી. તેમણે પેશન્ટને પૂછ્યું તો ખબર પડી કે આ જગ્યાએ ૨૦ વર્ષ પહેલાં તેને ગોળી વાગવાને કારણે લોહી નીકળ્યું હતું. એ વખતે હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન ઘા સાફ કરી ટાંકા લઈને પાછી આવી ગઈ હતી અને એ પછી તો સારું થઈ ગયું હતું. ૨૦ વર્ષ બાદ એ જ જગ્યાએ તેને ગૂમડું થયું. એમાં ઇન્ફેક્શન ફેલાયું અને એ એટલું મોટું થઈ ગયું કે ડૉક્ટર પાસે કપાવવા જવું પડ્યું. ડૉક્ટરોનું કહેવું છે કે ઘણી વાર બુલેટ શરીરમાં જોખમી જગ્યાએ ન હોય તો એને કાઢવામાં નથી આવતી. જોકે આ કેસમાં એવી શક્યતા વધારે છે કે ૨૦ વર્ષ પહેલાં એમાં બુલેટ જતી રહી છે એનું કદાચ નિદાન જ નહોતું થયું. આટલાં વર્ષોમાં બુલેટને કારણે મહિલાને કોઈ તકલીફ પણ નહોતી થઈ એ પણ આશ્ચર્યજનક છે.