પૈસા નહોતા તો કબાટને તાળું કેમ માર્યું? ચોરોએ ટોણો માર્યો

12 October, 2021 12:00 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશમાં એક સરકારી અધિકારીના ઘરે બનેલી ચોરીની એક ઘટનાથી પોલીસ તેમ જ સંબંધિત અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે

ચોરોએ લખેલી ચિઠ્ઠી

ચોરી-ઘરફોડીની ઘટનાઓની કોઈ નવાઈ નથી રહી. વધુ દિવસ સુધી ઘર બંધ રહે તો ચોરો તેનો લાભ લઈ ઘર સાફ કરવાની તક છોડતા નથી.

મધ્ય પ્રદેશમાં એક સરકારી અધિકારીના ઘરે બનેલી ચોરીની એક ઘટનાથી પોલીસ તેમ જ સંબંધિત અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. 

પ્રાપ્ત અહેવાલ મુજબ ચોરોએ મધ્ય પ્રદેશના દેવાસમાં સિવિલ લેન વિસ્તારમાં ત્રિલોચન ગૌરના અધિકારિક નિવાસસ્થાને ચોરી કર્યા પછી તેને ટોણો મારતી એક ચબરખી પણ છોડી ગયા હતા, જેમાં લખ્યું હતું, ‘જો પૈસા નહોતા તો કલેક્ટરસાહેબ, તમારે કબાટને લૉક કરવાની શું જરૂર હતી?’ ત્રિલોચન ગૌરનું ઘર ધારાસભ્ય અને દેવાસના સબ-ડિવિઝનલ મૅનેજર (એસડીએમ) પ્રદીપ સોની બન્નેના બંગલાની વચ્ચે છે. કોતવાલી પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ ઉમરાવ સિંહે જણાવ્યું કે ચોરોએ ખાટેગાંવ શહેરના એસડીએમ ત્રિલોચન સિંહ ગૌરના ઘરેથી ૩૦,૦૦૦ રૂપિયા રોકડ અને કેટલાંક ઘરેણાંની ચોરી કરી હતી.

ત્રિલોચન સિંહ ગૌર લગભગ એક પખવાડિયાથી ઘરથી દૂર હતા અને શનિવારે રાતે ઘરે પાછા ફર્યા બાદ તેમને આ ઘટનાની જાણ થઈ હતી.

offbeat news national news madhya pradesh