15 November, 2025 01:49 PM IST | Jodhpur | Gujarati Mid-day Correspondent
ટક્કર સે ગિરા, કાર મેં અટકા
રાજસ્થાનના જોધપુરમાં એક કાર સાથે ટક્કર થયા પછી ઊંટ કલાકો સુધી કારમાં ફસાઈ ગયું હતું. બુધવારે વહેલી સવારે ફલોદી-દેચુ રોડ પર આ અકસ્માત થયો હતો. આ ઘટનાનો વિડિયો ઑનલાઇન વાઇરલ થયો હતો, જેમાં ઊંટનું માથું અને શરીરનો ઉપરનો ભાગ કચડાઈ ગયેલી કારના કાટમાળમાંથી બહાર નીકળેલાં દેખાય છે.
આ ઘટનાને નજરે જોનારા સ્થાનિક લોકોએ આપેલી માહિતી પ્રમાણે એક રખડતું ઊંટ અચાનક રસ્તા પર આવી ગયું હતું. એ સમયે રસ્તા પરથી પસાર થતી કારને બ્રેક મારીને અટકાવવાનો ડ્રાઇવરને સમય જ નહોતો મળ્યો. ઊંચા ઊંટ અને નીચી કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનાં બમ્પર, બોનેટ, છત અને વિન્ડસ્ક્રીન તૂટીને ચૂર-ચૂર થઈ ગયાં હતાં. ગાડીનો ઉપરનો ભાગ તૂટવાની સાથે જ ઊંટની પીઠ કારની અંદર ખૂંપી ગઈ હતી તથા ઊંટની ડોક અને પગ હવામાં લટકતા રહી ગયાં હતાં. આ અકસ્માતમાં કારનો ડ્રાઇવર અને ઊંટ બન્ને ઘાયલ થયાં હતાં. અંતે કારને કાપીને ઊંટને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે JCB મશીન લાવવામાં આવ્યું હતું. ઈજા થઈ હોવા છતાં મુક્ત થતાંની સાથે તરત જ ઊંટ ભાગી ગયું હતું.