28 May, 2026 01:20 PM IST | China | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ગયા અઠવાડિયે ચીનના હુબેઈ પ્રાંતમાં એટલો ભારે વરસાદ આવ્યો કે અનેક નદીનાળાં છલકાઈ ગયાં અને અફલાતૂન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગૌરવ અનુભવતા ચીનનાં પૂલો પણ તણખલાંની જેમ તૂટવા લાગ્યા. હુબેઈમાં એક કાર નદીમાં વહી ગઈ એ ઘટનાનો વિડિયો દિલ થંભાવી દે એવો છે. નીચેથી ભારે પ્રવાહ સાથે વહી રહેલી નદીની ઉપર બનેલા પુલ પર ધીમેથી જઈ રહેલી એક અચાનક થંભી જાય છે કેમ કે એની આગળનો પુલ ડ્રાઇવરની નજર સામે જ તૂટીને વહી જાય છે. આ પૅનિક સ્થિતિમાં તરત ડ્રાઇવર બ્રેક મારી દે છે. તેને લાગે છે કે તે બચી ગયો. કારને સેફ ઝોનમાં લઈ જવા માટે તે રિવર્સ ગિઅરમાં ગાડી ચલાવવાની કોશિશ કરે છે ત્યાં કાર જે જગ્યાએ ઊભી છે એ ભાગ પણ તૂટી પડે છે. એ પછી કાર રમકડું હોય એમ પાણીમાં વહી જાય છે. જોકે સ્થાનિક પ્રશાસનના કહેવા મુજબ અંદરના પ્રવાસીઓ સમય રહેતાં કારમાંથી નીકળી જવામાં સફળ રહ્યા હોવાનો દાવો થયો છે.