હવે લૅબમાં તૈયાર થશે 3D અંગો

29 November, 2022 11:38 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરમાં રોગચાળા બાદ ‘અવે બાયોસાયન્સ’ નામે એક સ્ટાર્ટઅપ શરૂ થયું છે,

અવે બાયોસાયન્સની ટીમ

3D હ્યુમન ઑર્ગનની વાત કરીએ તો આપણા મગજમાં એવો વિચાર આવે કે કમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવેલું એ માનવશરીરના અંગનું એક માળખું છે, પરંતુ વૈજ્ઞાનિકો આ માળખાગત રચનામાં જીવનનો સંચાર કરી શકે છે, પરિણામે દરદીઓ માટે એક રાહતના સમાચાર બની શકે. બૅન્ગલોરમાં રોગચાળા બાદ ‘અવે બાયોસાયન્સ’ નામે એક સ્ટાર્ટઅપ શરૂ થયું છે, જે લાંબા સમયથી માત્ર વિચારવામાં આવેલા સપનાને વાસ્તવિકતામાં રૂપાંતર કરવાનો પ્રયાસ કરે છે. યુવા ઉદ્યોગ સાહસિકોની ટીમે 3D બાયોપ્રિન્ટર ‘મીટો પ્લસ’ લૉન્ચ કર્યું છે, જેનું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ બૅન્ગલોરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ 3D ​બાયો-પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની જેમ જ કામ કરે છે; પરંતુ એમાં પ્લાસ્ટિક, મેટલ અથવા પાઉડરને બદલે માનવકોષો અને બાયો-સામગ્રીનો ઉપયોગ બાયો ઇન્ક તરીકે કરવામાં આવે છે. એક દિવસ એવો પણ આવશે કે એ માનવશરીરનાં નવાં અંગ પણ બનાવી શકશે.  કંપનીનાં સીઈઓ મનીષ અમીન કહે છે કે આ શોધ હજી પ્રારંભિક તબક્કામાં છે. અમેરિકા અને યુરોપમાં આવી ૧૦૦ કંપનીઓ કામ કરી રહી છે, જે પૈકી અમુક ભારતમાં પણ છે. બાયોપ્રિન્ટિંગનું બજાર સતત વધ્યું છે. હાલ એનું મૂલ્ય ૧૦૬ અબજ રૂપિયા છે, જે ૨૦૨૬ સુધી વધીને ૨૬૯ અબજ રૂપિયાનું થઈ જશે. હાલમાં આ કંપની ચામડીનું પ્રિન્ટિંગ કરે છે, કારણ કે ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને કારણે એની ઘણી ડિમાન્ડ છે. વિશ્વએ 3D ડેન્ટલ અને ઑર્થોપેડિક પ્રત્યારોપણની સફળતા જોઈ છે. હવે પડકાર નવા માનવઅંગો વિકસાવવાનો છે. આપણા દેશમાં યોગ્ય અંગદાતાઓની અછતને કારણે હજારો લોકો જીવ ગુમાવે છે. 

offbeat news national news chennai