03 November, 2025 05:47 PM IST | Ukraine | Gujarati Mid-day Correspondent
યુક્રેનના ચેર્નોબિલમાં સેંકડો કૂતરાઓ ભૂરા રંગના થઈ ગયા
૧૯૮૬માં યુક્રેનના ચેર્નોબિલમાં આવેલો પરમાણુ પ્લાન્ટ અકસ્માતે ફાટી જતાં આસપાસના વિસ્તારમાં ન્યુક્લિયર રેડિયેશન એટલી મોટી માત્રામાં ફેલાયું હતું કે આસપાસના સેંકડો કિલોમીટરના વિસ્તારમાં માણસો, પ્રાણીઓ અને વનસ્પતિ સુધ્ધાં પર એની માઠી અસર થયેલી. ૫૦ લાખ લોકો એ રેડિયેશનથી અસર પામ્યા હતા. એ પછી તો એ વિસ્તારમાં માણસો ફરકવાનું પણ નામ ન લે એટલો સન્નાટો છવાઈ ગયેલો. અનેક વર્ષોથી આ આખા વિસ્તારમાં માત્ર કૂતરાઓનું જ સામ્રાજ્ય રહ્યું છે. જોકે આ કૂતરાઓ પણ અચાનક જ ભૂરા રંગના થવા લાગ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે હજી આ વિસ્તારમાં રેડિયેશનની અસર છે જેને કારણે કૂતરાઓની ત્વચા અને રુવાંટી વાદળી થવા લાગી છે. અલબત્ત, આ ઘટના છેક ૪૦ વર્ષ પછી બની હોવાથી રેડિયેશનની ડાયરેક્ટ અસર હોવાની શક્યતા ઓછી જણાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે કદાચ આ વિસ્તારમાં કેટલાંક પૉર્ટેબલ ટૉઇલેટ્સ છે જેમાંથી લીક થતા કેમિકલને કારણે કદાચ કૂતરાઓ વાદળી થવા લાગ્યા હોઈ શકે છે.