02 July, 2026 03:05 PM IST | China | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ચીનમાં એક હૃદય ઝંઝોળી નાખે એવી ઘટના ઘટી હતી. ઘટના ૧૯૯૧ની સાલની હતી. ૭ વર્ષનો લેઈ નામનો છોકરો દોસ્ત સાથે મસ્તી કરતાં-કરતાં એક ટ્રેનમાં ચડી ગયો. ટ્રેનમાં છુપાવા માટે તે સીટની નીચે સૂઈ ગયો. જ્યારે આંખ ખૂલી ત્યારે ટ્રેન તેના ગામથી સેંકડો કિલોમીટર દૂર શેનઝેન શહેર પહોંચી ચૂકી હતી અને તેનો દોસ્ત પણ તેનાથી છૂટો પડી ગયો હતો. વધુ કરુણતા એ હતી કે લેઈ જન્મથી જ મૂક-બધિર હતો. ટ્રેન તેને ઘરથી એટલે દૂર લઈ ગઈ હતી કે તેના માટે ઘરે પાછા ફરવાનું લગભગ નામુમકિન થઈ ગયું. શેનઝેન રેલવે-સ્ટેશન પાસે તે બેઘરની જેમ રહેવા લાગ્યો. થોડા સમય પછી એક મહિલાએ તેને મદદ કરી. લેઈને વાંચવા-લખવાનું શીખવ્યું. જોકે પાંચ વર્ષ પછી તે પણ હૉન્ગ કૉન્ગ જતી રહી. એ પછી હાંગ નામના એક નાનકડી રેસ્ટોરાંના માલિકે લેઈને પોતાના દીકરાની જેમ સાચવ્યો, રહેવાની જગ્યા આપી અને નોકરી પણ અપાવી. થોડા સમય પછી એ રેસ્ટોરાં બંધ થઈ જતાં લેઈને સિક્યૉરિટી ગાર્ડની નોકરીએ લગાવ્યો. હાંગની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી. ૭ વર્ષની વયે પોતાના અસલી પરિવારથી વિખૂટા પડી ગયેલા લેઈએ હજી પરિવારને મળવાની આશા છોડી નહોતી. પૈસા કમાવા લાગ્યો એ પછી હાંગે લેઈ સાથે ગામો અને શહેરો ઘૂમવાનું શરૂ કર્યું, પોલીસ-સ્ટેશનોમાં નોંધ કરાવી અને જાહેરાતનાં ફરફરિયાં લગાવ્યાં. બીજી તરફ લેઈનો પરિવાર પણ દીકરાને શોધતો હતો. તેના મોટા ભાઈ જેહુએ એક મૂક-બધિર ઑનલાઇન ગ્રુપમાં લેઈનો સંદેશ જોયો. આ તેનો ભાઈ લેઈ જ છે એની ખાતરી તેને ત્યારે થઈ જ્યારે તેણે તેનું નામ ઊલટું લખેલું જોયું. બચપણમાં લેઈ નવું-નવું લખતાં શીખેલો ત્યારથી તે પોતાનું નામ ઊલટું જ લખતો હતો. સોશ્યલ મીડિયા ગ્રુપમાં પણ આવું ઊલટું નામ જોઈને જેહુને ખાતરી થઈ ગઈ કે આ તેનો ભાઈ જ હોઈ શકે છે. બન્ને પરિવારોએ ઑનલાઇન વાતચીત કરી. પારિવારિક જીન્સ મૅચ થાય છે કે નહીં એ માટે ડીઑક્સિરીબો ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરાવી જેમાં પુષ્ટિ થઈ ગઈ કે આ એ જ દીકરો છે જે ૩૫ વર્ષ પહેલાં ખોવાયો હતો.