૨૩૦૦ રૂપિયા ભરીને કરાવ્યો હતો પ્રેમનો ઇન્શ્યૉરન્સ, ૧૦ વર્ષ પછી ૧.૩૦ લાખ મળ્યા

15 January, 2026 09:57 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનની લાઇફ પ્રૉપટી ઍન્ડ કૅઝ્યુઅલ્ટી ઇન્શ્યૉરન્સ કંપની ૨૦૧૭ની સાલ સુધી લવ ઇન્શ્યૉરન્સ ઑફર કરતી હતી

આ મહિલાએ ઈન્શ્યોરન્સ કર્યું હતું

ચીનના શિઆન શહેરમાં રહેતી એક મહિલાએ કૉલેજના સમયમાં પોતાના બૉયફ્રેન્ડ માટે ૨૩૦૦ રૂપિયામાં પ્રેમનો ઇન્શ્યૉરન્સ લીધો હતો. ચીનની લાઇફ પ્રૉપટી ઍન્ડ કૅઝ્યુઅલ્ટી ઇન્શ્યૉરન્સ કંપની ૨૦૧૭ની સાલ સુધી લવ ઇન્શ્યૉરન્સ ઑફર કરતી હતી. જોકે ૨૦૧૭ પછી આ વીમાની પૉલિસી બંધ કરી દેવામાં આવી છે. જોકે જેમણે પૉલિસી લીધી હતી તેમને હજી પણ કંપની રિટર્ન આપી રહી છે. આ વીમામાં તમારો પ્રેમસંબંધ દાવ પર લાગેલો હોય છે. એમાં શરત એ હોય છે કે જે વ્યક્તિ સાથેના પ્રેમનો વીમો ઊતરાવો તેની સાથે જો ૩ વર્ષ પછી અને ૧૦ વર્ષની અંદર તમારાં લગ્ન થઈ જાય તો તમને એનો ફાયદો મળે અને ઇનામરૂપે ૧૦,૦૦૦ રોઝ, ડાયમન્ડ રિંગ અથવા તો ૧૦,૦૦૦ યુઆન કૅશ મળે. આ મહિલાએ જ્યારે વીમો લીધો હતો ત્યારે તેને આ સ્કૅમ જ લાગતું હતું, પરંતુ થોડા સમય પહેલાં જ તેણે પોતાના એ જ પ્રેમી સાથે લગ્ન કરી લીધાં ત્યારે તેને પેલો વીમો યાદ આવ્યો એટલે તેણે કંપનીનો કૉન્ટૅક્ટ કર્યો. કંપનીએ તેમની પાસે કઈ રીતે ઇનામ જોઈએ છે એનો ઑપ્શન માગ્યો. મહિલાએ રોકડ ઇનામ પસંદ કરતાં તેને ૧૦,૦૦૦ યુઆન કૅશ એટલે કે લગભગ ૧.૩૦ લાખ રૂપિયા રોકડા મળ્યા હતા.

વીમા કંપનીનું કહેવું છે કે મોટા ભાગે લોકોને પ્રેમ થાય એ પછી કાં તો યુગલ ૩ વર્ષની અંદર જ પરણી જાય છે અને કાં પછી છૂટું પડી જાય છે. આ જ થિયરી પર તેમણે લવ ઇન્શ્યૉરન્સ શરૂ કરેલો. 

offbeat news international news world news china life insurance