વારંવાર બાથરૂમ-બ્રેક લેતા એન્જિનિયરે ચાર કલાક બાથરૂમમાં ગાળતાં મૅનેજરે પાણીચું પકડાવી દીધું

16 December, 2025 11:12 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

પહેલી ટ્રાયલ કોર્ટમાં લી હારી ગયો તો તેણે ઉપલી કોર્ટમાં અરજી કરી. ત્યાં કોર્ટે બન્ને પાર્ટી વચ્ચે મધ્યસ્થી કરાવીને ૩.૫ લાખ રૂપિયાનું વળતર લીને અપાવ્યું હતું. 

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં એક અજીબોગરીબ કેસ જાહેર થયો છે. એક માણસને તેની વારંવાર બાથરૂમ-બ્રેક પર જવાની આદતને કારણે નોકરી ગુમાવવી પડી હતી. લી નામના એન્જિનિયરને નોકરીમાંથી કંપનીએ ફાયર કર્યો હતો કેમ કે તે કામના સમયે કલાકો સુધી બાથરૂમમાં બંધ રહેતો હતો. લીએ કંપની ‌સાથે કરેલા કરાર મુજબ જો તે ૧૮૦ દિવસમાં ત્રણથી વધુ દિવસ હાજર ન રહે તો તેની નોકરી જાય. આ કરાર પછી લીભાઈએ ૨૦૨૪ના એપ્રિલ અને મે મહિનાના કુલ ૨૮ દિવસમાં ૧૪ વાર બાથરૂમ-બ્રેક લીધો હતો અને એમાં એક બ્રેક ઓછામાં ઓછો એક કલાકનો અને વધુમાં વધુ ૪ કલાકનો હતો. કંપનીએ આ ઘટનાનું ફુટેજ તપાસ્યું હતું અને આ દરમ્યાન લીએ કામના મેસેજનો જવાબ પણ નહોતો આપ્યો. તેના કરારમાં ઑફિસના સમય દરમ્યાન તરત રિસ્પૉન્સ આપવાનું પણ નક્કી થયું હતું. બસ, પછી કંપનીએ યુનિયનની મંજૂરી લઈને લીને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું. પોતાને ફાયર કરવામાં આવ્યો એની સામે લી કોર્ટમાં ગયો અને તેની સાથે અન્યાય થયો છે એમ કહીને ૪૧ લાખ રૂપિયાનું વળતર માગ્યું. તેણે દલીલ કરી કે તેને હરસ થયા હોવાથી બાથરૂમમાં વધુ સમય લાગે છે. તેણે આ માટે દવાઓ અને પ્રિસ્ક્રિપ્શન્સ પણ રજૂ કર્યાં. જોકે કરાર મુજબ કંપની તેની આ બીમારીથી બેખબર હતી એટલે તેનો કેસ નબળો પડી ગયો. પહેલી ટ્રાયલ કોર્ટમાં લી હારી ગયો તો તેણે ઉપલી કોર્ટમાં અરજી કરી. ત્યાં કોર્ટે બન્ને પાર્ટી વચ્ચે મધ્યસ્થી કરાવીને ૩.૫ લાખ રૂપિયાનું વળતર લીને અપાવ્યું હતું.

offbeat news china international news world news