26 December, 2025 06:29 PM IST | China | Gujarati Mid-day Correspondent
ચીનની અનોખી જેલ જેમાં અપરાધીઓ નહીં, મેદસ્વી લોકો જ હોય છે
ચીનમાં ફૅટ પ્રિઝન નામનો અનોખો કન્સેપ્ટ વિકસી રહ્યો છે. આ સરકારી જેલ નથી જ્યાં ગુનેગારોને સજા આપવામાં આવે, પરંતુ આ જેલ એના નામ મુજબ જાડિયા લોકો માટે છે. આ એવા લોકો માટે છે જે લોકો કેમેય કરીને વજન ઘટાડી શકતા નથી અને સેલ્ફ-કન્ટ્રોલ ન હોવાને કારણે મેદસ્વી થઈ ગયા હોય. આ જેલમાં મેદસ્વીઓ જાતે જ ભરતી થાય છે. અહીં દિવસમાં ચાર કલાક અલગ-અલગ સમયે એક્સરસાઇઝ કરાવવામાં આવે છે. ત્રણ ટાઇમ પોષણથી ભરપૂર અને સંતુલિત ભોજન આપવામાં આવે છે. આ પ્રાઇવેટ વેઇટલૉસ બૂટ-કૅમ્પ જેવી જગ્યા છે. આપણે ત્યાં જેમ નૅચરોપથી સેન્ટર્સ હોય છે એવું જ કંઈક આ ફૅટ પ્રિઝનમાં હોય છે. જોકે અહીંનું મુખ્ય ફોકસ માત્ર વજન ઘટાડવાનું હોય છે અને અહીંના નિયમો જેલ જેવા જ કડક હોય છે. અહીં મિનિમમ ૨૮ દિવસનો વેઇટલૉસ પ્રોગ્રામ છે. ૯૦,૦૦૦ રૂપિયામાં આ જેલમાં ખાવા-પીવા, રહેવાનું અને ઇન્સ્ટ્રક્ટરની નિગરાનીમાં એક્સરસાઇઝ કરવાની હોય છે. સવાર-સાંજ તમારું વજન માપવામાં આવે. રોજ સવારે એક જ સમયે ઊઠવાનું અને રાતે ૧૦ વાગ્યે સૂઈ જવાનું. ચીનમાં મેદસ્વિતા બહુ મોટી સમસ્યા બની ગઈ હોવાથી આવી જેલો બહુ ફેમસ થઈ રહી છે.