22 November, 2026 11:07 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
પાળેલા શ્વાનના વાળ અને હાડકાંમાંથી હીરા બનાવ્યા
ચીનમાં પાળતુ ડૉગીઝની યાદ સાચવીને રાખવા માટે એક મોંઘો ટ્રેન્ડ શરૂ થયો છે. પશ્ચિમના દેશોમાં પ્રિયજનોનાં અસ્થિમાંથી ડાયમન્ડ કે યાદગાર ચીજો બનાવીને પહેરવાનો ટ્રેન્ડ છે એવું જ કંઈક ચીનીઓએ પાળતુ ડૉગીઓ માટે શરૂ કર્યું છે. અહીં લોકો ડૉગીનાં અસ્થિમાંથી સ્મારક ડાયમન્ડ બનાવડાવે છે. એ માટે લગભગ ૧૩.૯૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ચીનમાં એનો બિઝનેસ ફૂલીફાલી રહ્યો છે. જોકે હવે આ ચમકતા ધંધા વિશે જ્વેલરી-નિષ્ણાતોએ ગંભીર ચેતવણી જાહેર કરી છે. તેમનું કહેવું છે કે એવી કોઈ ટેસ્ટ નથી હોતી જેનાથી એ સાબિત થઈ શકે કે તમને આપવામાં આવેલા હીરામાં તમારા પાળેલા જાનવરના જ કાર્બન અંશો વાપરવામાં આવ્યા છે. આ વેપારી તમને લૅબ-ગ્રોન હીરો તમારા ડૉગીના સંભારણા તરીકે હાથમાં પકડાવીને લાખો રૂપિયા કમાઈ શકે છે. સામાન્ય રીતે પ્રાણીપ્રેમીઓ પોતાના ડૉગીની રૂંવાટી અને હાડકાંના અંશોમાંથી બનતા કાર્બનમાં ફેરવીને એનો હીરો બનાવડાવે છે. હીરો પણ કાર્બનનું જ એક સ્વરૂપ છે. જોકે આ અસ્થિમાંથી ડાયમન્ડના કન્વર્ઝનની ટેક્નૉલૉજી ખૂબ મોંઘી હોવાથી હીરો ખૂબ મોંઘો પડે છે.