આ યુવાન ચીનાએ એક આંગળી અને પગના અંગૂઠાથી કરી શકાય એવી સ્માર્ટ ખેતીની સિસ્ટમ તૈયાર કરી

31 December, 2025 01:51 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

લકવાગ્રસ્ત અને વેન્ટિલેટર પર જીવતા આ યુવાન ચીનાએ એક આંગળી અને પગના અંગૂઠાથી કરી શકાય એવી સ્માર્ટ ખેતીની સિસ્ટમ તૈયાર કરી

લી જિયા

જ્યારે શરીરનો મોટો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હોય ત્યારે તમે પથારીમાં પડ્યે-પડ્યે શું કરી શકો એ ચીનના ચૉન્ગકિન્ગ શહેરમાં રહેતા ૩૬ વર્ષના લી જિયા નામના ભાઈ પાસેથી જાણવા જેવું છે. લીભાઈ પોતે મસ્ક્યુલર ડિસ્ટ્રૉફી નામની અસાધ્ય બીમારી ધરાવે છે. આ રોગમાં ધીમે-ધીમે શરીરના સ્નાયુઓ કામ કરતા અટકી જાય છે. લીભાઈના ફેફસાંના મસલ્સ પણ પોતાની મેળે કામ નથી કરતા એટલે તેઓ ઑક્સિજન મશીન સાથે જ જીવી રહ્યા છે. એમ છતાં આ કન્ડિશનમાં તેમણે ટેક્નૉલૉજીની મદદથી એક સ્માર્ટ ઍગ્રિકલ્ચરલ સિસ્ટમ તૈયાર કરી છે જે કાબિલેતારીફ છે. લીને પાંચ વર્ષની ઉંમરે મસ્ક્યુલર ડિસ્ટૉફી હોવાનું નિદાન થયું હતું. માંદગીને કારણે પાંચમા ધોરણ પછી સ્કૂલે જઈ શકાય એવી સ્થિતિ ન રહી. એમ છતાં તેની ભણવાની ઇચ્છા ઘટી નહીં. તેને ફિઝિક્સ અને કમ્પ્યુટર સાયન્સમાં બહુ રસ પડતો એટલે તે આ વિષયો પોતાની રીતે ભણતો રહેતો. પચીસ વર્ષની ઉંમરે તેણે ઑનલાઇન ફોરમના માધ્યમથી જાતે જ પ્રોગ્રામિંગ શીખવાનું શરૂ કર્યું. નબળી તબિયતને કારણે લીએ પોતાના જેવા લોકોનું જીવન બદલી નાખે એવી ટેક્નૉલૉજી તૈયાર કરવાનું વિચાર્યું. જોકે એ જ સમયે તેના પપ્પા અને મમ્મીના છૂટાછેડા થઈ ગયા. મમ્મીએ એકલે હાથે દીકરાની જવાબદારી ઉપાડી. લીને બહુ ઇચ્છા હતી કે તે માને મદદ કરે, પરંતુ તેના શરીરમાં તે માત્ર આંગળીઓ જ હલાવી શકે એમ હતો. ૨૦૨૧માં તેને માટી વિના થતી હાઇડ્રોપૉનિક ખેતી વિશે ખબર પડી. તેણે આ નવા વિચારને મૉડર્ન ખેતી સાથે જોડીને સ્વિચથી ઑપરેટ થઈ શકે એવી વ્યવસ્થા તૈયાર કરી. હવે તે વેન્ટિલેટર જેવા મશીન સાથે કનેક્ટેડ હોવા છતાં માત્ર હાથ અને પગની આંગળીઓથી વર્ચ્યુઅલ કીબોર્ડનો ઉપયોગ કરીને માટી વિનાના ખેતરને સ્માર્ટ્‍લી કન્ટ્રોલ કરે છે. લી દિમાગથી કોડિંગ કરીને કોઈ પણ ખેતર માટે સૉફ્ટવેઅર તૈયાર કરી આપે છે જ્યારે તેની મમ્મીને હાર્ડવેઅરનું કામ શીખવી દીધું છે. બન્ને મા-દીકરો મજાનું અનોખું સ્ટાર્ટઅપ ચલાવે છે.

offbeat news china international news world news