14 October, 2025 11:30 AM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભલાઈનો જમાનો નથી રહ્યો એ વાત ક્યારેક સાચી હોય એવું લાગે છે. ચીનના હેનાન પ્રાંતમાં એક છોકરીએ લગ્નના થોડા મહિના પહેલાં જ સગાઈ તોડી નાખી. સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ દ્વારા સંચાલિત એક ચૅનલના સમાચાર મુજબ વાન નામની એક યુવતીએ મૅચમેકર પ્લૅટફૉર્મ થકી પોતાના માટે જીવનસાથી શોધ્યો હતો. બન્ને ઘણા મહિનાથી સાથે હતાં અને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમણે સગાઈ પણ કરી લીધી. નવેમ્બર મહિનામાં લગ્ન થવાનાં હતાં અને એ માટે પ્રી-વેડિંગ શૂટ થઈ ચૂક્યું હતું. લગ્નનો હૉલ અને હોટેલ પણ બુક થઈ ચૂક્યાં હતાં. જોકે લગ્ન વખતે પરિવારજનોને ગિફ્ટ આપવાની બાબતે બન્ને વચ્ચે રકઝક ચાલી રહી હતી. એવામાં યુવકે કહ્યું કે તે ઈમાનદારીથી કામ કરતો હોવાથી તેની પાસે એવી મોટી ઇન્કમ નથી જેને તે બેફામ ઉડાવી શકે. આ વાતે વાનબહેનને બહુ લાગી આવ્યું. તેને થયું કે આખી જિંદગી ઈમાનદારીથી કમાતા માણસનો હાથ ટૂંકો જ રહેવાનો, એવું તેને નહીં પાલવે. એટલે બહેને સગાઈ ફોક કરી નાખી. વાત આટલેથી અટકી નહીં. તેણે છોકરા પાસેથી સગાઈ પછી તેની સાથે ઇન્ટિમસી માણવા માટેની ફી પણ માગી. સગાઈ અને પ્રી-વેડિંગ શૂટ દરમ્યાન કપલે ઇન્ટિમેટ કહેવાય એવી તસવીરો પડાવી હતી એટલે એ પુરાવાઓ રજૂ કરીને તેણે લગ્ન પહેલાં ભેટવા માટેની ફી તરીકે ૪૨૦૦ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૩.૭૫ લાખ રૂપિયા માગી લીધા. એ વાતથી આહત થયેલા યુવકે સગાઈ પછી તેણે યુવતીને આપેલી ભેટો પણ પાછી માગી લીધી. આ વાત બહાર ન આવત, પરંતુ યુવતીએ ફીપેટે વળતર પડાવી લીધા પછી ભેટો આપવામાં આનાકાની શરૂ કરી દેતાં યુવકે તેની સામે કોર્ટમાં કેસ કર્યો. કોર્ટમાં ન્યાયાધીશે યુવતીને સગાઈ વખતની ભેટો પાછી આપવાનો હુકમ કર્યો ત્યારે આ કેસ ચર્ચામાં આવ્યો.