13 August, 2026 04:24 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
૩૭૨ દિવસથી રોજ મૅરથૉન દોડીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો ચીની ભાઈએ
ચીનના શેડૉન્ગ પ્રાંતના જિનાન શહેરમાં રહેતા ૪૧ વર્ષના લી શુઆંગયાંગ નામના ઍથ્લીટના થોડાં વર્ષો પહેલાં ડિવોર્સ થઈ ગયા અને એ પછી તેનો બિઝનેસ પણ ઠપ થઈ ગયો છે. આ બધાને કારણે માનસિક રીતે અસ્વસ્થતા અનુભવતા લીભાઈએ દોડવાનું શરૂ કર્યું. રનિંગથી તેમને ઓછું સ્ટ્રેસ અનુભવાતું હતું. જોકે રનિંગની આદત એવી પડી ગઈ કે તેણે રોજ એક મૅરથૉન દોડવાનું બીડું ઝડપ્યું. લગભગ ૩૭૨ દિવસ સુધી આ ભાઈ રોજ એક મૅરથૉન એટલે કે ૪૨ કિલોમીટરથી વધુ રનિંગ કરતા હતા. આ પ્રોજેક્ટ દરમ્યાન તેઓ લગભગ ૧૫,૦૦૦ કિલોમીટરથી વધુ દોડી ચૂક્યા છે. ચીનનાં ૩૦૦થી વધુ શહેરોમાં મૅરથૉન દોડી ચૂકેલા લીભાઈ રોજ સાંજે એક નવા સ્થળે જાય છે, રાતે ત્યાંની હોટેલમાં સૂઈ જાય છે અને બીજા દિવસે સવારે મૅરથૉન દોડીને ફરીથી સાંજે બીજા શહેર જવા નીકળી જાય છે.
બ્રાઝિલના હ્યુગો ફારિયાસ નામના ઍથ્લીટે ૩૬૬ દિવસ રોજ મૅરથૉન દોડવાનો રેકૉર્ડ બનાવ્યો હતો, જે ચીનના લી શુઆંગયાંગે તોડ્યો છે. ૧૦ ઑગસ્ટે લીએ ૩૭૨ દિવસ લગાતાર મૅરથૉન દોડવાનો રેકૉર્ડ બનાવ્યો છે. હવે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તેમના નામે થઈ ગયો હોવા છતાં આ મિશન રોક્યું નથી. તેમની ઇચ્છા ૫૨૦ દિવસ સુધી પહોંચવાની છે.
આ પહેલાં ચીની ભાઈ ૧૦૦૦ દિવસ સુધી રોજ ૧૦૦ પુશ-અપ્સ, ૧૦૦ સિટ-અપ્સ અને ૧૦૦ સ્ક્વૉટ્સનો રેકૉર્ડ બનાવી ચૂક્યા છે.