13 September, 2026 03:00 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
આ ચીની બિઝનેસમૅન ૨૩૩ દેશ ફરી આવ્યા છે
‘દુનિયા ફરવી એ માત્ર એક સપનું કે રજાઓની મજા નથી, પણ જીવન જીવવાનો એક અનોખો અંદાજ છે.’ આ વાત સાબિત કરી બતાવી છે ચીનના ૫૩ વર્ષના બિઝનેસમૅન ચેન જિનવેઈએ. તેમણે જીવનનાં ૩૩ વર્ષ આપીને વિશ્વના ૨૩૩ દેશોની સફર પૂર્ણ કરી છે. આમ તો જગતમાં સત્તાવાર માન્યતા પ્રાપ્ત ૧૯૫ દેશ છે; પણ કેટલીક સંસ્થાઓ એમાં અન્ય ટેરિટરીઝ, પ્રાંતો, સ્પેશ્યલ એરિયાઓનો પણ સમાવેશ કરે છે.
પોતાની આ મહત્ત્વાકાંક્ષી વર્લ્ડ-ટૂરનો છેલ્લો પડાવ પેરુ ખાતે પૂર્ણ કરીને તાજેતરમાં જ તેઓ પોતાના વતન પહોંચ્યા છે. દક્ષિણ ચીનના આ મશીનરી કંપનીના માલિકે પોતાની આ વર્લ્ડ-ટૂર પાછળ ૧૪ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ચેન જિનવેઈએ પોતાની આ નૉનસ્ટૉપ સફર માટે ક્યારેય બિઝનેસ કે પરિવારની ઉપેક્ષા નથી કરી. તેઓ એક મહિનો ચીનમાં રહીને પોતાની કંપની અને પરિવારનું ધ્યાન રાખતા અને પછીના મહિને વિદેશપ્રવાસે નીકળી પડતા.
તેમની પ્રથમ વિદેશયાત્રા ૧૯૯૩માં સિંગાપોર, મલેશિયા અને થાઇલૅન્ડની હતી. આફ્રિકામાં સફર દરમ્યાન તેમને મલેરિયા થઈ ગયો હતો અને ગ્રીસમાં ભૂકંપનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૫માં એન્ટાર્કટિકા જતી ક્રૂઝમાં આગ લાગતાં ૨૦૧૬માં બીજા પ્રયાસે તેઓ ત્યાં પહોંચી શક્યા હતા.
પોતાના આ ૩૩ વર્ષના અવિરત પ્રવાસ બાદ ચેને દુનિયાભરના લોકોને એક જ સલાહ આપી છે: ‘રાહ ન જુઓ, સમય કોઈના માટે અટકતો નથી.’