28 August, 2026 02:35 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ટાર્ગેટ પૂરો ન થયો એટલે બૉસે મહિલા કર્મચારીને ૨૦૦ ઊઠક-બેઠક કરવાનો દંડ કર્યો, કિડની ફેલ થઈ ગઈ
ચીનના ટૉક્સિક વર્ક-કલ્ચર વિશે આએદિન અવનવી વાતો ઉજાગર થતી રહેતી હોય છે. તાજેતરમાં એક કંપનીએ મહિલા કર્મચારીને તેનો ટાર્ગેટ પૂરો ન કરવા બદલ ૨૦૦ ઊઠક-બેઠક કરવાનો દંડ કર્યો. નોકરીની બહુ જરૂર હોવાથી તે મહિલાએ દંડ ભોગવી પણ લીધો. જોકે આ દંડને કારણે તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તે બીજા પાંચ દિવસ કામ ન કરી શકી.
મહિલાને રોજના ૨૦૦ ફોન-કૉલ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જ્યારે તે એ ટાર્ગેટ પૂરો ન કરી શકી તો તેને ૨૦૦ દંડબેઠક અથવા તો દરેક અધૂરા કામ માટે ૬૦૦ રૂપિયાની પેનલ્ટી ચૂકવવાનું કહેવામાં આવ્યું. તેની પાસે દંડ ભરવાના પૈસા ન હોવાથી તેણે શારીરિક દંડ વહોરી લીધો હતો. આ સજાને કારણે તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી. ડૉક્ટરોનું કહેવું છે કે તેના મસલ્સને એટલું નુકસાન પહોંચ્યું હતું કે તેની અસર કિડની પર પણ પડી હતી. હૉસ્પિટલનું બિલ પણ લાંબુંલચક આવ્યું એટલે આખરે તેણે નોકરી છોડી દીધી.
જોકે આટલું સહન કર્યા પછી તેણે પોતાની સાથે થયેલા અમાનવીય વર્તન માટે કોર્ટમાં ધા નાખી છે અને સારવારનો ખર્ચ અને શારીરિક પ્રતાડના બદલ ૧.૮ લાખ રૂપિયાનું વળતર માગ્યું છે.