ચીની વૈજ્ઞાનિકોએ ઉગાડ્યાં બટર પૉપકૉર્નની ફ્લેવરવાળાં ટમેટાં

26 February, 2026 11:34 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનના વૈજ્ઞાનિકોએ જિનેટિકલી મૉડિફાય કરેલાં નવાં ટમેટાં વિકસાવ્યાં છે જે દેખાવમાં તો સામાન્ય લાલચટક ટમાટર જેવાં જ છે

પ્રતીકાત્મક તસવીર

ટમેટાં એ શાકભાજીમાં નહીં, પણ ફળોની કૅટેગરીમાં આવે છે એની બહુ ઓછાને ખબર છે. જોકે હવે ટમેટાં ખાધા પછી શાક કે ફળ નહીં, બટર પૉપકૉર્ન ખાવા જેવી સ્મેલ અને ફ્લેવર મોંમાં આવે એવું સંભવ છે. ચીનના વૈજ્ઞાનિકોએ જિનેટિકલી મૉડિફાય કરેલાં નવાં ટમેટાં વિકસાવ્યાં છે જે દેખાવમાં તો સામાન્ય લાલચટક ટમાટર જેવાં જ છે, પરંતુ એની ફ્લેવર પૉપકૉર્ન જેવી હશે. 

આવું અળવીતરું સંશોધન કરવાનું વૈજ્ઞાનિકોને કેમ મન થયું હશે એવો જો સવાલ તમને પણ થયો હોય તો એનો જવાબ છે ટમેટાંની લાંબી શેલ્ફલાઇફ. ટમેટાં એવું ફળ છે જેને ટ્રાન્સપોર્ટ દરમ્યાન પણ જો થોડોક વધુ સમય લાગી જાય તો એ કચકચી જાય છે અને એમાંથી વિચિત્ર સ્મેલ આવવા લાગે છે. લાંબો સમય કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરી રાખેલાં ટમેટાંની ફ્લેવર પણ બદલાઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે ચીની વૈજ્ઞાનિકોએ ટમેટાંના જનીનગત એવી ક્રાન્તિ કરવામાં આવે જેનાથી ટમેટાંમાંથી ખુશ્બૂ મનમોહક આવે. રિસર્ચરોએ નૉર્મલ ફ્લેવરને બદલે એકદમ હટકે ફ્લેવર પસંદ કરીને ટમેટાંની અંદર જનીનગત મૉડિફિકેશન કર્યું હતું, જેને કારણે ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન એની મહેક ફીકી ન પડે. વૈજ્ઞાનિકોએ ખાસ ક્રિસ્પર તરીકે ઓળખાતી ટેક્નિકનો ઉપયોગ કરીને બટર પૉપકૉર્નની મહેક આપતાં ટમેટાં ઉગાડવામાં સફળતા મેળવી લીધી છે. હવે આવા ફળથી લાંબા ગાળે કોઈ નુકસાન તો નથી થતું એ વિશે અભ્યાસ કર્યા પછી આગળનો નિર્ણય લેવામાં આવશે. 

offbeat news international news world news china