22 April, 2026 02:10 PM IST | China | Gujarati Mid-day Correspondent
૨૯ વર્ષની યુવતીએ શહેરની નોકરી છોડીને ગામમાં ૬૦,૦૦૦ સાપ ઉછેર્યા; હવે વર્ષે ૧.૪ કરોડ કમાય છે
ચીનમાં સાપનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થાય છે. ભોજનમાં અને દવામાં પણ. એને કારણે ઝેરી સાપોની ચીનમાં જબરી ડિમાન્ડ રહે છે. આ જ ડિમાન્ડને એક યુવતીએ ધીકતો ધંધો બનાવી દીધો છે. ચીનના ગુઇલિન શહેરમાં રહેતી કિન નામની યુવતી ગ્રૅજ્યુએશન કર્યા પછી નાની-મોટી નોકરી કરતી હતી. જોકે તેને એમાં ખાસ જોઈએ એવું વળતર મળતું નહોતું એટલે તે પોતાના ગામ પપ્પા પાસે આવી ગઈ. તેના પિતા પહેલેથી જ સાપ ઉછેરવાનું કામ કરતા હતા, પણ એ કામ બહુ નાના પાયે થતું હતું. કિને વિચાર્યું કે કેમ પપ્પાના જ બિઝનેસને વિસ્તારવામાં ન આવે? તેણે થોડોક અભ્યાસ કર્યો અને પપ્પાના કામને વિસ્તારીને અલગ-અલગ જાતિના સાપોનો ઉછેર શરૂ કર્યો. અત્યારે તેના ફાર્મમાં લગભગ ૬૦,૦૦૦ સાપ છે. એમાંથી ૫૦,૦૦૦થી વધુ સાપ ફાઇવ-સ્ટેપ વાઇપર કૅટેગરીના છે અને ૧૦,૦૦૦ કોબ્રા છે. રોજ ઝેરી સાપો વચ્ચે કામ કરવાનું અત્યંત જોખમી હોવાથી કિનના પપ્પા નથી ઇચ્છતા કે દીકરી આ કામ કરે, પરંતુ દીકરીને હવે આ કામ ફાવી ગયું છે.
ઝેરી સાપની વૅલ્યુ વધુ હોય છે એટલે તે ઝેરી સાપ જ ઉછેરે છે. ચીનમાં સાપનું ઝેર મેડિકલ રિસર્ચમાં અને દવાઓમાં ખૂબ વપરાય છે. સાપની સૂકી કાંચળી પણ દવાઓમાં વપરાય છે. ઝેર કાઢી નાખ્યા પછી એક સાપ અઢીથી પાંચ હજાર રૂપિયામાં વેચાય છે. મોટા સાપનું માંસ ૧૦,૦૦૦ રૂપિયામાં વેચાય છે, જ્યારે સાપનું એક ગ્રામ ઝેર ૫૦૦થી ૨૦૦૦ રૂપિયામાં વેચાય છે. આમ કિનબહેન વર્ષેદહાડે ૧.૪ કરોડ રૂપિયા કમાઈ લે છે.