02 June, 2026 11:42 AM IST | China | Gujarati Mid-day Correspondent
વાંગ
ચીનમાં એક મહિલાની ખૂબસૂરત દેખાવાની ઘેલછા તેને જબરી મોંઘી પડી છે. તેણે ડબલ આઇલિડ સર્જરી કરાવી હતી. એમાં તેણે પાંપણ લાંબી કરાવવાની પ્રોસીજર કરાવી હતી. જોકે મેડિકલ લાપરવાહીને કારણે તેની આંખો પૂરી બંધ થઈ શકતી નથી. એને કારણે રાતે પણ તેણે અધખુલ્લી આંખે સૂવું પડે છે. જિયાંગ્સુ પ્રાંતમાં એક કૉસ્મેટિક ક્લિનિકમાં વાંગ નામની મહિલાએ ૬ વર્ષ પહેલાં ૧.૭ લાખ રૂપિયાના ખર્ચે પાંપણ લાંબી કરવાની સર્જરી કરાવી હતી. તેને હતું કે પાંપણ મોટી હશે તો તેની આંખો મોટી અને સારી દેખાશે. જોકે પાંપણ લગાવવાથી તેનાં પોપચાંમાં ભારે સોજો આવી ગયો. સોજાને કારણે પાંપણ બહારની તરફ વળી ગઈ. એને કારણે હવે તે પાંપણ નીચે ઢાળે તો પણ આંખ પૂરી બંધ નથી થતી. આંખ બંધ ન થાય તો સતત ડ્રાયનેસ વધી જાય છે અને ડ્રાયનેસને કારણે આંખમાંથી પાણી વહે છે. સામાન્ય રીતે એક મિનિટમાં વ્યક્તિ સેંકડો વાર પલકારો મારે છે અને એ વખતે આંખો ઝપકતી હોય છે. આંખ ઝપકવાની ક્રિયા સાથે આંખની બહારની સફેદ સપાટીને હાઇડ્રેટ કરતાં સ્રાવો ઝરે છે. જોકે વાંગના કેસમાં આંખ બંધ ન થતી હોવાથી આંખને ડ્રાયનેસથી બચાવતાં કેમિકલ્સ ઝરે તો પણ તરત ઊડી જાય છે. લગભગ ૬ વર્ષથી લગાતાર તેની આંખો રાતે પણ અધખુલ્લી રહેતી હોવાથી તેની આંખોમાં સોજા અને ડ્રાયનેસને કારણે બળતરાની કાયમી તકલીફ થઈ ગઈ છે.