✕

ડાયટ અને કસરત કરાવ્યા છતાં ન ઘટ્યું વજન: ચીનના ઝૂએ ૧૯ વર્ષના દીપડા સામે હાર માની

28 November, 2026 02:40 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

પન બાઓ બાઓની વધતી લોકપ્રિયતા અને ભારે શરીર જોઈને ઝૂના અધિકારીઓએ શરૂઆતમાં એના ખોરાકના રૂટીનમાં ફેરફાર કરીને વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો.

દીપડાની મસ્તી

સામાન્ય રીતે દીપડાની ઓળખ એની ચપળતા અને ફૂર્તીલા શરીરથી થતી હોય છે, પરંતુ ચીનના એક પ્રાણીસંગ્રહાલયમાં રહેતો ૧૯ વર્ષનો દીપડો પોતાના ભારેખમ અને ગોળમટોળ શરીરને કારણે સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે. ચીનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા પાનઝિહુઆ પ્રાણીસંગ્રહાલયમાં રહેતા પન બાઓ બાઓ નામના આ દીપડાનું વજન ઘટાડવા માટે તંત્ર દ્વારા ડાયટ-પ્લાન અને કસરતનો સહારો લેવામાં આવ્યો હતો, પરંતુ એની વધતી ઉંમર અને તબિયતને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ વજન ઘટાડવાની જીદ છોડી દીધી છે. હવે એને પાતળો કરવાને બદલે એનું આરોગ્ય જળવાઈ રહે એના પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

પન બાઓ બાઓની વધતી લોકપ્રિયતા અને ભારે શરીર જોઈને ઝૂના અધિકારીઓએ શરૂઆતમાં એના ખોરાકના રૂટીનમાં ફેરફાર કરીને વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નિષ્ણાતોની સલાહ લીધા બાદ આ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘પન બાઓ બાઓ હવે ૧૯ વર્ષનો થઈ ચૂક્યો છે. આ ઉંમરે જબરદસ્તીથી એનું વજન ઘટાડવાનો પ્રયાસ કરવો એ એના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી હવે વજન ઘટાડવાને બદલે હાલનું વજન સ્થિર રહે અને એ આરામથી જીવન વિતાવી શકે એના પર ભાર મુકાઈ રહ્યો છે.’

china animal wildlife social media offbeat news viral post