09 October, 2026 02:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
વિજયવાડામાં રહેતી સંજના નામની એક સ્કૂલ-સ્ટુડન્ટ તેના અનોખા અક્ષરો માટે આજકાલ સોશ્યલ મીડિયા પર ફેમસ થઈ ગઈ છે. વિડિયોમાં નવમા ધોરણમાં ભણતી સંજના નામની છોકરી પહેલાં સ્માઇલ આપે છે અને પછી એક લીટીવાળા ફૂલ્સકૅપ પેપર પર લખવાનું શરૂ કરે છે. તે ભલે હાથેથી લખતી હોય, પરંતુ જે લખાણ છે એ જાણે કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ થઈને આવતું હોય એવા સુંદર, ચોખ્ખા, એકસરખા વણાંકવાળા અને સ્પષ્ટ અક્ષરવાળું છે. એક અક્ષર પણ જરાય વાંકોચૂંકો નહીં. બે અક્ષરો અને શબ્દો વચ્ચેની જગ્યા પણ જાણે માપીને લખાતી હોય એટલી પર્ફેક્ટ. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા આ વિડિયોને ૧૧.૫ કરોડ વ્યુઝ મળ્યા છે. મોતીના દાણા જેવા હૅન્ડરાઇટિંગ કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ છે. ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ પણ હાથેથી લખવાને બદલે કમ્પ્યુટર અને સ્માર્ટફોન પર ટાઇપિંગ વધુ કરે છે ત્યારે કોઈનું લખાણ આટલું સુંદર હોય એ અજાયબી જ કહેવાય.