22 January, 2026 05:24 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ‘વિકસિત ભારત - જી રામ જી કાયદા’ મામલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. કૉંગ્રેસે કહ્યું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી અધિનિયમ (મનરેગા) નાબૂદ કરવો એ ગરીબોને ‘બંધુઆ મજૂર’ બનાવવાનું કાવતરું છે. કૉંગ્રેસના મોટા નેતાઓએ જણાવ્યું કે તેમનો પક્ષ 28 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર દરમિયાન આ મુદ્દો ઉઠાવશે. દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ માથા પર ગમછો બાંધી અને હાથમાં પાવડો પકડી મજૂરો માટે અવાજ ઉઠાવ્યો હોવાના સંકેત આપ્યા હતા. તેમના આ લૂકની સોશિયલ મીડીયા પર ખૂબ જ ચર્ચા છે ત્યારે તેને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના ગમછા અને પાવડા સાથેના વાયરલ વીડિયો પર લોકો હવે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સમર્થકો બન્ને કૉંગ્રેસ નેતાઓના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક યુઝર્સ તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોના કમેન્ટમાં ટ્રોલર્સ ‘રાહુલ અને ખડગે કૉંગ્રેસની કબર ખોદવા નીકળ્યા છે’ અને ‘બન્ને કૉંગ્રેસની કબર ખોદવા જઈ રહ્યા છે’ એવી ટીકા કરી રહ્યા છે. જોકે આ વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે “મનરેગા ગ્રામીણ ભારતની જીવનરેખા છે, અને તેનું રક્ષણ કરવાની દરેકની સહિયારી જવાબદારી છે. તે ગ્રામીણ ભારતનો આત્મા છે, જેને સાચવવો જોઈએ. તેમણે કહ્યું કે દરેક કૉંગ્રેસ કાર્યકર મનરેગાના રક્ષણ માટે લડવા માટે તૈયાર છે." દરમિયાન, કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ કહ્યું કે મનરેગા પર ભાજપનો હુમલો ગ્રામ સ્વરાજને નષ્ટ કરવાનું કાવતરું છે. તેમણે ઉમેર્યું કે મનરેગા નાબૂદ કરવી એ મહાત્મા ગાંધીનું અપમાન છે. આ દેશ આ ધૃષ્ટતાને સહન કરશે નહીં. આ પહેલી વાર છે જ્યારે કોઈ પક્ષ મહાત્મા ગાંધીના નામ પરથી બનેલી યોજનામાંથી તેમનું નામ દૂર કરવાની હિંમત કરી રહ્યો છે. આ દેશ આ સહન કરશે નહીં. કૉંગ્રેસ પાર્ટી દેશના તમામ ભાગોમાં મનરેગાને બચાવવા માટે આંદોલન શરૂ કરવા જઈ રહી છે. મનરેગા નાબૂદ કરવી એ ફક્ત સમાજના નબળા વર્ગો પર હુમલો નથી. તે મહાત્મા ગાંધીને જાહેર સ્મૃતિમાંથી ભૂંસી નાખવાનું અને ગ્રામ સ્વરાજના વિચાર પર હુમલો કરવાનું કાવતરું છે.”
ખડગેએ કહ્યું કે “મોદી સરકાર દેશના પીડિત લોકોને બંધુઆ મજૂર બનાવવા માટે મનરેગા નાબૂદ કરવાનું કામ કરી રહી છે. નરેન્દ્ર મોદી લોકોને બંધુઆ મજૂર બનાવવા અને તેમને ધનિકોને સોંપવા જઈ રહ્યા છે, જેથી તેઓ ધનિકોના ઈશારે અને તેઓ જે પૈસા ઈચ્છે છે તેના માટે કામ કરે. મનરેગાએ લોકોને 100 દિવસના કામની કાનૂની ગૅરંટી આપી હતી, જેનો નાશ થઈ રહ્યો છે. મનરેગા અને કામના અધિકારને બચાવવા માટે આપણે લડવું પડશે.”