૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી રહેલી ટ્રેન પર લૅન્ડ થઈને ફરી ઊડ્યું પ્લેન

21 February, 2026 01:36 PM IST  |  Ankara | Gujarati Mid-day Correspondent

ડારિયો કોસ્ટા નામના પાઇલટે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં ઇતિહાસ રચતું કારનામું કર્યું હતું

રેડ બુલ દ્વારા સ્પૉન્સર થયો હતો સ્ટન્ટ

ઇટલીમાં ડારિયો કોસ્ટા નામના પાઇલટે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં ઇતિહાસ રચતું કારનામું કર્યું હતું. રેડ બુલ દ્વારા સ્પૉન્સર થયેલા આ સ્ટન્ટમાં પાઇલટે ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન પર પ્લેન ટચ કરીને ફરીથી ત્યાંથી ટેકઑફ કરવાનું હતું. ડારિયોએ આ સ્ટન્ટ સફળતાપૂર્વક કરી દેખાડ્યો હતો. તુર્કિયેમાં આ સ્ટન્ટ થયો હતો. અહીં ઝિવકો એજ ૫૪૦ નામની કાર્ગો ટ્રેન સૌથી ઝડપી ટ્રેન છે. આ ટ્રેન પર ડારિયોએ એક પ્લેન ઉડાડ્યું હતું એટલું જ નહીં, એના છેલ્લા ડબ્બા પર બનેલા હેલિપૅડ જેવા પ્લૅટફૉર્મ પર લૅન્ડ કરીને ફરીથી ટેક-ઑફ કર્યું હતું. પાઇલટનું કહેવું છે કે તેણે જ્યારે પ્લેન લૅન્ડ કર્યું ત્યારે તેને કૉકપિટ પરથી ટ્રેનનો છેલ્લો ડબ્બો દેખાઈ જ નહોતો રહ્યો. એવામાં તેણે માત્ર આગળ દોડી રહેલી ટ્રેનના સહારે જજમેન્ટ લઈને બ્લાઇન્ડ લૅન્ડિંગ કરાવ્યું હતું.

આ સ્ટન્ટ દરમ્યાન દોડતી ટ્રેનની પાછળ હવાનું દબાણ પણ ખૂબ હતું. જોરથી વાતા પવનને કારણે ટૂ-સીટર હલકા-ફૂલકા પ્લેનનું બૅલૅન્સ પણ બગડી રહ્યું હતું. એમ છતાં ડારિયોએ ખૂબ સટિક રીતે ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડતી ટ્રેન પર પ્લેન લૅન્ડ કર્યું હતું અને એ પછી તરત ટેક-ઑફ પણ કર્યું હતું. ડારિયો અને તેની ટીમે આ સ્ટન્ટ માટે બે વર્ષથી મહેનત કરી હતી. અસલી ટ્રેન પર પ્રૅક્ટિસ કરવાનું મુશ્કેલ હોવાથી તેમણે જમીન પર હવાનું દબાણ ક્રીએટ કરીને સ્પીડ કન્ટ્રોલ સાથે આ સ્ટન્ટની પ્રૅક્ટિસ કરી હતી. 

turkey offbeat news international news world news news