11 April, 2026 01:20 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
દીકરાની હત્યાની ફાઇલ પોલીસે બંધ કરી દીધી, પણ માએ હાર ન માની અને દોઢ વર્ષમાં શોધી કાઢ્યો હત્યારાને
દેહરાદૂનમાં રહેતા ૧૮ વર્ષના ક્ષિતિજ નામના ટીનેજરનું ૨૦૨૪માં એક રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું. એક ડમ્પરવાળાએ રોડ ક્રૉસ કરી રહેલા ક્ષિતિજને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે તરત તેને હૉસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યો અને સારવાર અપાઈ છતાં તે બીજા જ દિવસે હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો. દીકરાની મમ્મી લલિતાને વિશ્વાસ હતો કે તેના દીકરાને ટક્કર મારીને ભાગી જનારા હત્યારાને પોલીસ પકડી લેશે, પણ મૃત્યુના ૬ મહિના સુધી કોઈ જ પરિણામ ન આવ્યું. આખરે પોલીસે કેસની ફાઇલ પણ બંધ કરી દીધી. જોકે દીકરાને ન્યાય અપાવવા માટે તરસતું માનું દિલ રોકાયું નહીં. તેણે નક્કી કર્યું કે હું કોઈ પણ ભોગે તે હત્યારાને શોધી જ કાઢીશ. તે રોજ સવારે ઘરેથી નીકળી જતી અને ઘટનાસ્થળની આસપાસની દુકાનો કે ઑફિસોમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરતી રહેતી. એ જગ્યાએ રહેતા લોકો અને વારંવાર પસાર થતા રાહદારીઓને ઘટનાના દિવસ વિશેની પૂછતાછ કરતી રહેતી. એમ કરીને તેણે કુલ ૧૦ શંકાસ્પદ લોકોની ઓળખ કરી. એ પછી તે એ દસેય વ્યક્તિની વધુ જાણકારી મેળવવા લાગી. આટલું કરતાં તેને દોઢ વર્ષનો સમય લાગ્યો. આખરે લલિતાની મહેનત રંગ લાવી. તેણે માત્ર એ ડમ્પર જ નહીં, એ દિવસે ડમ્પર ચલાવતા ડ્રાઇવરને પણ શોધી કાઢ્યો. એ પછી તમામ પુરાવાઓ સાથે પોલીસને રિપોર્ટ સોંપ્યો. હવે પોલીસે ફરીથી એ કેસ ઓપન કર્યો છે.